મહારાષ્ટ્રમાં ભગવી યુતિનો જયજયકાર

મહારાષ્ટ્રમાં ભગવી યુતિનો જયજયકાર
એક્ઝિટ પોલ અનુસાર ભાજપ-શિવસેનાને મળશે આશરે 34 બેઠક જ્યારે કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીને મળશે તેર સીટ્સ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : દેશમાં લોકસભાની ચૂંટણીના સાતેય તબક્કા પૂર્ણ થતાં આજે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા. એબીપી-નેલ્સનના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ-શિવસેના યુતિને મહારાષ્ટ્રમાં 34 બેઠકો ઉપર વિજય મળશે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે.
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાને 42 બેઠકો મળી હતી. તે દૃષ્ટિએ આ વખતે આઠ બેઠકોનું નુકસાન થવાનો અંદાજ છે. એબીપી-નેલ્સનના એક્ઝિટ પોલના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં શિવસેનાને 17, ભાજપને 17, કૉંગ્રેસને ચાર, રાષ્ટ્રવાદીને નવ અને સ્વાભિમાની પક્ષને એક બેઠક મળશે. જોકે ક્યા પક્ષને ચોક્કસ કેટલી બેઠક મળશે તે આવતી 23મી મેના દિવસે મતગણતરી પછી જ જાણવા મળી શકશે.
વર્ષ 2014નાં પરિણામો સાથે એબીપી-નેલ્સનના એક્ઝિટ પોલની સરખામણી કરીએ તો ભાજપને છ અને શિવસેનાને એક બેઠકનું નુકસાન થશે. જ્યારે કૉંગ્રેસની બે અને રાષ્ટ્રવાદીની પાંચ બેઠક વધશે. મહારાષ્ટ્રમાં નાગપુરમાંથી કેન્દ્રના વહાણવટા ખાતાના પ્રધાન નીતિન ગડકરી, ચંદ્રપુરમાંથી ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહિર અને ધૂળેમાંથી સંરક્ષણ રાજ્યપ્રધાન સુભાષ ભામરે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ બધા ભાજપના ઉમેદવાર છે. મુંબઈની છ બેઠકો ઉપર પણ ભાજપ-શિવસેના વિરુદ્ધ કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી વચ્ચે સીધો મુકાબલો છે.
મહારાષ્ટ્ર (કુલ બેઠક 48)
ઍક્ઝીટ પોલ                      એનડીએ       યુપીએ         અન્ય
એબીપી - નેલ્સન                 34               13              01
ઈન્ડિયા ટુડે - માય એક્સીસ   38-42          10-6           -
ટાઈમ્સ નાઉ - વીએમઆર     38               10              -
રિપબ્લિક - સી વોટર્સ           34                14              -
સામ ટીવી - સકાળ               29               16              03
ઈન્ડિયા ન્યુઝ - પૉલસ્ટ્રેટ       36               11              01
2014ની ચૂંટણીમાં - ભાજપ-શિવસેના યુતિને 42 સીટ મળી હતી તો કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી યુતિને 06 સીટ મળી હતી.
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer