તમામ એક્ઝિટ પોલનો એક જ સૂર `ફિર એક બાર મોદી સરકાર''

તમામ એક્ઝિટ પોલનો એક જ સૂર `ફિર એક બાર મોદી સરકાર''
નવીદિલ્હી, તા.19: લોકસભા ચૂંટણીનાં બે માસ સુધી ચાલેલા મહાભારતમાં આજે સાંજે છેલ્લા તબક્કાનાં મતદાનની અવધિ સમાપ્ત થવા સાથે જ સમગ્ર દેશ અને રાજકીય આલમ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં એવા વિવિધ સમાચાર અને સર્વેક્ષણ એજન્સીઓનાં ચૂંટણી સર્વેક્ષણો - એક્ઝિટ પોલ આવી ગયા હતાં. જેમાં મોટાભાગનાં સર્વેક્ષણો કેન્દ્રમાં મોદી સરકારની સત્તાવાપસીનો ઈશારો કરતાં જોવા મળ્યા છે. 2014 કરતાં ભાજપ અને એનડીએને થોડી બેઠકોનો ફટકો પડે તેવો અણસાર મળી રહ્યો છે પણ એકંદરે પ42 બેઠકોમાંથી ભાજપ અને તેના સાથી પક્ષો મળીને સત્તાનો જાદુઈ આંક આસાનીથી પાર કરી જતાં દેખાય છે. બીજીબાજુ કોંગ્રેસની સ્થિતિમાં 2014 કરતાં સુધારો ચોક્કસ થશે પણ સત્તાનાં સિંહાસન માટે દિલ્હી હજી ઘણું દૂર રહી જવાનું છે. એનડીએ મોરચાને બહુમતનાં 272નાં જાદુઈ આંકથી છેટું રહી જવાની આશા અને અપેક્ષાએ અત્યારથી જ મસલતો અને ગઠજોડ કરવાં લાગેલા વિપક્ષીદળો માટે સર્વેક્ષણનાં તારણો નિરાશ કરનારા સાબિત થાય છે. તો બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે વ્યક્ત કરેલો વિજયનો વિશ્વાસ એક્ઝિટ પોલમાં પણ પ્રતિબિંબિત થતાં ભાજપ અને એનડીએ મોરચો ગેલમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વિના સત્તા સુધી પહોંચવાની મહત્વાકાંક્ષા દિવાસ્વપ્ન જેવી ભ્રામક કલ્પના માત્ર સાબિત થાય તેવું સર્વેક્ષણનાં તારણો કહે છે.
દરમિયાન, એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિની સંભાવના ઉપર કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટર મારફતે પ્રતિક્રિયા આપી હતી. અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું, દરેક એક્ઝિટ પોલ ખોટો ન હોઇ શકે. આ સમય ટીવી બંધ કરવાનો, સોશિયલ મીડિયામાંથી લોગ આઉટ થવાનો છે. તેમજ હવે 23 મેની રાહ જોવી પડશે કે દુનિયા બદલવા જઈ રહી છે. બીજી મમતા બેનરજીએ એક્ઝિટ પોલ ઉપર ભરોસો ન હોવાનું કહ્યું હતું. મમતાના કહેવા પ્રમાણે એક્ઝિટ પોલ ગોસિપના માધ્યમથી હજારો ઈવીએમમાં હેરફેર કરવા કે તેને બદલવાનું ષડયંત્ર ઘડાયું છે. આ સમયે તમામ વિપક્ષી દળોને એકજુથ, મજબૂત અને નિર્ભય રહેવાની અપીલ છે.
ગુજરાતમાં તમામ બેઠકો જીતશું : રૂપાણી
દરમિયાન, લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26 માંથી 26 બેઠકોની જીત મળતી જોવા મળી રહી નથી. અહીં ભારતીય જનતા પાર્ટીને 1 થી 4 બેઠકોનું નુકસાન જુદા જુદા એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના અનુમાન વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતશે. દેશમાં એનડીએની સરકાર બનશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાન રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. 
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, અમે તો પહેલેથી જ કહ્યું હતું કે, આ લહેર નથી સુનામી છે. આ ચૂંટણીમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તેના આધારે સ્પષ્ટ હતું કે, લોકો વડાપ્રધાન તરીકે મોદીજીને ફરી જોવા માંગે છે. અમે ગુજરાતમાં એક પણ બેઠક નહીં હારીએ કેમ કે અહીંયા ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કર્યુ છે. 
વધુમાં વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતુ ંકે, રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના કાર્યકર્તાના પગમાં ઉત્સાહમાં હતો. કોઇપણ કાર્યકર્તા નારાજ હોય અને ઘરે બેઠા હોય તેવા લોકોએ પણ અથાક મહેનત કરી હતી. 
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer