અમેઠી કે રાયબરેલી ? કૉંગ્રેસનો એક કિલ્લો થઈ શકે છે ધ્વસ્ત !

અમેઠી કે રાયબરેલી ? કૉંગ્રેસનો એક કિલ્લો થઈ શકે છે ધ્વસ્ત !
નવી દિલ્હી, તા. 20 : જો ઍક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ મૂકીએ તો શક્ય છે કે કૉંગ્રેસ યુપીમાં માત્ર એક સીટ પર સમેટાઈ જશે. આ સીટ સોનિયા ગાંધીની રાયબરેલી પણ હોઈ શકે છે અને રાહુલ ગાંધીની અમેઠી પણ. જો થોડું ઊંડાણમાં જઈને અધ્યયન કરીએ તો એ સમજવામાં મુશ્કેલી નહીં થાય કે અમેઠી રાહુલ ગાંધી માટે મુસીબત બની  શકે છે. 
રાહુલ કેરળની વાયનાડ બેઠકથી પણ લડી રહ્યા છે અને અમેઠીમાં રાહુલને પડકાર આપનારી સ્મૃતિ ઈરાનીનું માનવું છે કે રાહુલને પહેલાથી જ ખબર હતી કે તેઓ ત્યાંથી ચૂંટણી હારી રહ્યા છે તેથી વાયનાડની સીટ 
પસંદ કરી. જોકે, આપને જણાવી દઈએ કે ગઠબંધને અમેઠી - રાયબરેલી સીટથી કોઈ ઉમેદવાર નહોતો ઉતાર્યો. 
2014ની લોકસભા ચૂંટણી મોદી લહેરની વચ્ચે સ્મૃતિ ઈરાનીને 15 દિવસ પહેલા અમેઠીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી 1 લાખના અંતરથી જીત્યા હતા, પરંતુ ત્યારે અમેઠીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો. બીજેપી પર આરોપ છે કે તેઓએ અમેઠીમાં હવાની દિશાને બદલવા માટે જેલમાં બંધ ગાયત્રી પ્રજાપતિને લખનઊ હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. જો પરિણામ ઍક્ઝિટ પોલ મુજબ જ આવશે તો આવનારા સમયમાં તે કૉગ્રેસ માટે ખતરાની ઘંટડી છે. 
ચેનલોના ઍક્ઝિટ પોલમાં પણ એનડીએને બહુમત મળતી બતાડવામાં આવી રહી છે. આવા સમયે બિહારની બે સીટો ઉપર બધાની નજર હતી. 
એબીપી નીલસનના ઍક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કૉગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના ઍક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે. 
આ ઉપરાંત મુંબઈમાં ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી સામે કૉંગ્રેસના ઉમેદવાર અને અભિનેત્રી ઊર્મિલા માતોંડકર હારી જશે એ અંગે મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં એકમતી છે.

Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer