શૅરબજારનો સ્કોર પણ ઉપર ચઢે છે

શૅરબજારનો સ્કોર પણ ઉપર ચઢે છે
મુંબઈ, તા. 20 : લોકસભાની ચૂંટણીના પૂરા થયેલા મતદાન પછી સર્વેની નજર તથા મુખ્ય ચર્ચાના વિષયે છેલ્લા બે દિવસમાં શૅરબજારમાં જે તેજીનો માહોલ સર્જાયો હતો તે હવે આગળ ઉપર એક તો ઍક્ઝિટ પોલની ઉપલબ્ધ રૂપરેખા અને પછી 23મી મેના ખરેખરી મતગણતરી શરૂ થતા બજારમાં આ તેજીનો જુવાળ જળવાશે કે કેમ એની ચર્ચા વચ્ચે બજારનું વાતાવરણ હાલ તો તેજીની અટકળોમાં ગળાડૂબ જણાઈ રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં આજે સપ્તાહના પ્રથમ સત્રમાં બજાર જોરદાર ઊછળ્યું હતું. આજે સવારે દસ વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્સ 844 પોઈન્ટ ઊછળીને 38775ની અને નિફટી 247 પોઈન્ટના ઊછાળાએ 11655ની સપાટીને સ્પર્શ્યા હતા. 
આમ તો છેલ્લા દોઢ-બે સપ્તાહથી સતત બોલેટિલિટી સાથે ઘટી રહેલ બજારે ગયા સપ્તાહના છેલ્લા બે દિવસમાં ખાસ તો ઍક્ઝિટ પોલના અનુમાનોની અસરે કૂદકા મારવાનું શરૂ કરી દીધું હતું. તેમાં હવે આ સપ્તાહે શરૂઆતમાં જ ઍક્ઝિટ પોલના ચિત્રએ બજારને વધુ ઉછાળ્યું છે. તો ગુરુવારે હવે જ્યારે મતગણતરી શરૂ થશે અને એક પછી એક પરિણામ આવતા જશે તેમ બજારની ચાલ અત્યારના અનુમાન પ્રમાણે તેજીતરફી ચાલુ રહેશે. હાલ તો પરિણામોની સત્તાવાર જાહેરાત પહેલાં ખાસ તો આજે બજાર એકથી બે ટકા વધશે અને તેનો ઉત્સાહ સત્તાવાર મતગણતરીના દિવસથી ચોક્કસ જળવાઈ રહેશે. છતાં આ સાથે  એક અગમચેતી રાખવાની છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીએસ) બજારમાં કેટલું ભંડોળ ઠાલવે છે. ઍક્ઝિટ પોલનો અંદાજ બજારની ધારણા કરતા બેશક વધુ લાગે છે અને જો વૈશ્વિક બજારો સહાયક હશે તો બજાર આગામી દિવસોમાં  અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી શકે છે.
આ સંજોગો વચ્ચે યાદ રાખવાનું કે છેલ્લા બે દિવસમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના મજબૂત નાણાપ્રવાહથી બજાર ઊંચકાયું. કામચલાઉ ડેટા મુજબ શુક્રવારે આ ફન્ડોએ રૂા. 1800 કરોડના શૅરોની ખરીદી કરી હતી તો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂા. 1058 કરોડના શૅર વેચ્યા હતા. હવેની સ્થિતિ અને ચિત્રને લક્ષમાં રાખી બજારના નિષ્ણાતો માને છે કે જો વિદેશી રોકાણકારો પણ ખરીદી ચાલુ કરશે તો નિફ્ટી આગામી સમયગાળામાં 12000ની સપાટીને સ્પર્શી શકે છે. અન્યથા તેજીનો આંક 11800ની સપાટીથી નીચો ઊતરી શકે છે.
ઍક્ઝિટ પોલનું ચિત્ર દર્શાવે છે કે ભાજપને સરકાર બનાવવા માટે જે 272 બેઠકોની જરૂર છે તે આંક આસાનીથી વટાવી જશે. અત્રે યાદ રાખવાનું કે 2014માં એક દિવસમાં બજાર 1.4 ટકા વધ્યું હતું. વધુમાં ચૂંટણી પરિણામોની બજાર પર જે પણ અસર હશે તે તાત્પૂરતી રહેશે. ખરો ભાગ તો આર્થિક ચિત્ર તથા આવકનો વૃદ્ધિદર ભજવશે. વિશ્લેષકોના મતે ચૂંટણી પરિણામની અસર એકાદ મહિનો જણાય. પછી તે કૉર્પોરેટ નફાશક્તિ અને આર્થિક વૃદ્ધિનું ચિત્ર જ બજારને ઉપર-નીચે ખેંચશે. અત્રે યાદ રાખવાનું કે શુક્રવારના ઊછાળા પહેલાં આ મહિને બજાર પાંચ ટકા ઘટયું હતું, કારણ કે કામકાજના છેલ્લા આઠ સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂા. 8500 કરોડ ભારતીય બજારમાંથી ખેંચી લીધા હતા.
હવે એક વાર આ ચૂંટણી પરિણામોની અસર શાંત પડતી જણાશે કે બજાર ત્યારે તેના ચાલુ પરિબળોના આધારે ચાલ પકડશે. આમ તો હાલ બજારનું માઇક્રો ચિત્ર એટલું પ્રોત્સાહક નથી એ યાદ રાખવું ઘટે.

Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer