પાક. સામેના આખરી વન ડેમાં ઇંગ્લેન્ડનો 54 રને શાનદાર વિજય

પાક. સામેના આખરી વન ડેમાં ઇંગ્લેન્ડનો 54 રને શાનદાર વિજય
લીડ્સ, તા.20: સ્ટાર બેટસમેન જો રૂટની 84 રનની અને કેપ્ટન ઇયાન મોર્ગનની 76 રનની શાનદાર ઇનિંગ બાદ ઝડપી બોલર ક્રિસ વોક્સની પ વિકેટની મદદથી પાંચમા અને આખરી વન ડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પ4 રને જીત મેળવીને પાકિસ્તાનનો 4-0થી સફાયો કર્યોં હતો. શ્રેણીનો પહેલો મેચ વરસાદમાં ધોવાયો હતો. વર્લ્ડ કપ પૂર્વેની આખરી વન ડે સિરિઝમાં યજમાન ઇંગ્લેન્ડની ટીમે સંપૂર્ણ દબદબા સાથે જીત નોંધાવી હતી. 
ગઇકાલે રમાયેલા પાંચમા ડે-નાઇટ વન ડે મેચમાં ઇંગ્લેન્ડના 9 વિકેટે 3પ1 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ 46.પ ઓવરમાં 297 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન તરફથી સુકાની સરફરાઝ અહેમદે સર્વાધિક 97 રન 80 દડામાં કર્યાં હતા. જ્યારે બાબર આઝમે 83 દડામાં 80 રનની ઇનિંગ રમી હતી. આ સામે ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ઘાતક બોલિંગ કરીને પ4 રનમાં પ વિકેટ લીધી હતી. પાક.ની શરૂઆત ખરાબ રહી હતી અને 6 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બાબર અને સુકાની સરફરાઝ વચ્ચે ચોથી વિકેટમાં 146 રનની ભાગીદારી થઇ હતી. ક્રિસ વોક્સ મેન ઓફ ધ મેચ થયો હતો. જ્યારે જેસાન રોય મેન ઓફ ધ સિરિઝ બન્યો હતો. 
ભારતનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો
ઇયાન મોર્ગનના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમને વિશ્વ કપ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડે પાક. સામેની શ્રેણી 4-0થી જીતી લીધી છે. પાછલી 11 વન ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડનો આ 10મો વિજય છે. એક શ્રેણી બરાબરી પર રહી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડની ટીમે પાક. સામેની શ્રેણીમાં કુલ 1424 રન કરી સૌથી વધુ રનનો રેકોર્ડ કર્યોં છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના નામે હતો. ભારતે 2009માં શ્રીલંકા સામેની શ્રેણીમાં 1275 રન કર્યાં હતા. ઇંગ્લેન્ડે પાક. સામે 4 મેચમાં 3/373, 4/359, 7/341 અને 9/351 રન કર્યાં હતા.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer