યુપીમાં હલચલ : ઓમ પ્રકાશ રાજભરને કેબિનેટમાંથી દૂર કરાયા

આદિત્યનાથની ભલામણ રાજ્યપાલે મંજૂર કરી : રાજભરના પુત્ર તેમજ અન્ય નેતાઓને નિગમના અધ્યક્ષ પદેથી દૂર કરાયા
લખનઉ, તા. 20 : લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા અને એક્ઝિટ પોલ આવ્યા બાદ દેશની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈક સમક્ષ મંત્રીમંડળમાં સામેલ ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીના ઓમપ્રકાશ રાજભરને બરખાસ્ત કરવાની ભલામણ કરી હતી. જેને મંજૂર કરવામાં આવી છે. રાજભર પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ  જન કલ્યાણ મંત્રી હતા. વધુમાં રાજભરના જે નેતાઓને રાજ્યના મંત્રીઓનો દરજ્જો અપાયો હતો તેને પણ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમ પ્રકાશ રાજભરના પુત્ર અરવિંદ રાજભર પાસેથી નિગમના ચેરમેનનું પદ તેમજ અન્ય નિગમો અને પરિષદોમાંથી રાજભરના અન્ય નેતાઓને તત્કાળ પ્રભાવથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયનું ખુદ રાજભરે પણ સ્વાગત કર્યું છે. 
રાજભરે કહ્યું હતું કે, તેઓઓઁ પહેલા જ રાજીનામું આપ્યું હતું પણ સ્વિકારાયું નહોતું.  ઉત્તર પ્રદેશમાં સત્તા સંભાળ્યા બાદ રાજભર સતત નિવેદનો આપી રહ્યા હતા. ક્યારેક અધિકારીઓ દ્વારા ભલામણ સાંભળવામાં ન આવતી હોવા ઉપર તો ક્યારેક પુત્રોને પદ અપાવવા માટે રાજીનામાની ચીમકી આપી રહ્યા હતા. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં બેઠકો માગીને તમામ હદ પાર કરી હતી. ઘોસી બેઠક ઉપર શરતી ચૂંટણી લડવાની ભાજપની વાત માન્ય ન રાખીને રાજભરે રાજીનામુ આપ્યું હતું. જો કે તે મંજૂર કરવામાં આવ્યું નહોતું. ત્યારબાદ એસબીએસપીએ ભાજપ સામે 39 બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા. હવે એક્ઝિટ પોલ આવી ગયા બાદ તેના ઉપર ભાજપે પગલા લીધા છે. રાજભર ઉપરાંત તેમના પુત્રને સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના ચેરમેન પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. આવી જ રીતે બીજ વિકાસ નિગમ, રાષ્ટ્રીય એકિકરણ પરિષદ, પશુધન વિકાસ પરિષદ અને પછાત વર્ગ આયોગથી રાજભરના નેતાઓ દૂર થયા છે. 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer