મહાગઠબંધન 23 મેએ તૂટી પડશે : શિવસેના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : લોકસભાની ચૂંટણીનાં પરિણામો 23મી મેના દિવસે જાહેર થાય તે પહેલાં કેટલાક નેતાઓએ વ્યૂહ ગોઠવવાની શરૂઆત કરી છે. તેલુગુ દેસમ પાર્ટીના નેતા ચંદ્રાબાબુ નાયડુએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો પૂર્વે જ વ્યૂહ ગોઠવવાના ભાગરૂપે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારની મુલાકાત લીધી હતી અને કેરીઓના બોક્સ ભેટ આપ્યા હતા, પણ આ વ્યૂહ અને `મહાગઠબંધન' 23મી મેના સાંજે તૂટી પડશે, એમ શિવસેનાના મુખપત્ર `સામના'માં જણાવવામાં આવ્યું છે.
`સામના'ના તંત્રીલેખમાં ઉમેરવામાં આવ્યું છે કે દિલ્હીનું રાજકારણ ગુરુવાર પછી અસ્થિર થશે, એમ કેટલાક લોકોને લાગે છે. અસ્થિરતાની વહેતી ગંગા-જમુનામાં હાથ ધોઈ નાખવાની ગણતરી કેટલાક લોકોની છે. અનેક રાજકીય પક્ષોની મદદથી ચાલનારી નબળી સરકાર દેશને નહીં પરવડે. મહાઆઘાડીમાં વડા પ્રધાનપદના કમ સે કમ પાંચ ઉમેદવાર છે. તે પાંચેય જણનો ફિયાસ્કો થાય એવા ચિન્હો દેખાય છે. કેન્દ્રમાં કોની સરકાર? એ પ્રશ્ન હવે ઉકેલાઈ ગયો છે.
ભાજપના વડા અમિત શાહનો આત્મવિશ્વાસ કહે છે કે તેમનો પક્ષ સ્વબળે 300 બેઠકો જીતશે. તે તબક્કો ચૂંટણીના પાંચમા તબક્કામાં પાર કર્યો છે. હવે યોગી આદિત્યનાથે `અબ કી બાર 400 પાર'ની ખાતરી આપી છે, તેથી ચંદ્રાબાબુ નાહકની દોડધામ કરે છે.
વિરોધી પક્ષોના દંભી સેક્યુરલવાદ વિરુદ્ધ મોદીના હિન્દુત્વવાદ વચ્ચેનો આ મુકાબલો છે. આખરે ભાજપને અને સાથી પક્ષોને વિજય મેળવવા માટે હિન્દુત્વનો આધાર લેવો પડયો એ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની ભૂમિકાનો વિજય છે. પોતે ધ્યાન કર્યું પણ ભગવાન પાસે કશુ જ માગ્યું નહીં હોવાની સ્પષ્ટતા નરેન્દ્ર મોદીએ કરી છે. તેમણે કશુ માગ્યું નથી પણ ભગવાન ફરી તેમને દિલ્હીની સત્તા આપશે એ લગભગ નક્કી છે એમ તંત્રીલેખમાં ઉમેરવામાં આવ્યું છે.

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer