દુકાળના ઉકેલ માટે હજી કેટલો સમય જોઈએ? હાઈ કોર્ટે સરકારને કર્યો સવાલ

મુંબઈ, તા. 20  : દુકાળની પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હજી કેટલો સમય લેશે તેવો સવાલ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને કર્યો છે અને જવાબ આપવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. તેમ જ આ પ્રકરણે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. હવેની સુનાવણીમાં દુકાળ નિવારવા સરકાર શું ઉપાય યોજના કરી રહી છે તેની માહિતી આપવાનો આદેશ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. 
રાજ્યમાં દુકાળને કારણે અતિશય ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રાજ્ય સરકારને આદેશ આપ્યા બાદ પણ ઉપાય યોજનાનો જવાબ તૈયાર ન હોવાથી હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ પ્રકરણે નિમણૂક કરવામાં આવેલ વિશેષ સરકારી વકીલ ઉપલબ્ધ ન હોવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાંના ખેડૂતોની સ્થિતિ, દુકાળ અને જળસંવર્ધન બાબતે ચિંતા વ્યક્ત કરીને ડૉક્ટર સંજય લાખે પાટીલે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. ન્યાયાધીશ સંદીપ શિંદે અને ન્યાયાધીશ સારંગ કોટવાલની બેન્ચે હોલિડે કોર્ટમાં આ બાબતે સુનાવણી કરી હતી. મરાઠવાડા અને વિદર્ભમાં પાણીની ઉપલબ્ધતાની પરિસ્થિતિ બહુ ગંભીર છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી નહીંવત છે. તેમ છતાં સરકાર દ્વારા પાણીપુરવઠાની સુવિધા અને અન્ય જીવન આવશ્યક બાબતો વિષે તાત્કાલિક કોઈ ઉપાય કરવામાં આવતો નથી, તેવો આરોપ અરજદારે કર્યો છે. હાઈ કોર્ટે દુકાળગ્રસ્ત વિસ્તારો માટે તાત્કાલિક ઉપાય કરવાનો આદેશ સરકારને આપ્યો હતો, પરંતુ તે બાબતે હજી કોઈ પગલાં લેવાયાં ન હોવાનું પણ અરજદારે કહ્યું હતું. 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer