ચૂંટણી પરિણામ પૂર્વેના એક્ઝિટ પોલ ક્યારે સાચા-ખોટા પડયા?

નવી દિલ્હી, તા. 20 : લોકસભા કે વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ વિવિધ સર્વે એજન્સીની મદદથી ઍક્ઝિટ પોલ શરૂ થઈ જાય છે. એનાથી સત્તાવાર પરિણામો પહેલાં દેશનો મૂડ અને હવાનું રૂખ જાણવામાં મદદ મળે છે. જોકે, એવું નથી કે દરેક ચૂંટણીમાં ઍક્ઝિટ પોલના અનુમાન સાચા સાબિત થયા છે. હમણાં સુધીનો એવો અનુભવ કહે છે કે ઍક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોનું મોટું ચિત્ર રજૂ કરે છે, પણ કાઉન્ટિંગ થયા એ ખૂબ દૂર રહી જાય છે. હમણાં સુધી ક્યારે-ક્યારે ઍક્ઝિટ પોલ પરિણામોની  સાચી તસવીર રજૂ કરી શક્યા છે અને ક્યારે એમાં નિષ્ફળ રહ્યા છે એની માહિતી આ પ્રમાણે છે : જો ગત લોકસભા ચૂંટણી-2019ના ઍક્ઝિટ પોલની વાત કરીએ તો મોટા ભાગના અનુમાન સાચા પડયા હતા. મોટા ભાગના ઍક્ઝિટ પોલે ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બને છે, એવું તારણ આપ્યું છે. જ્યારે પરિણામ જાહેર થયાં તો ભાજપે પોતાના બળે બહુમતી હાંસલ કરી હતી અને એનડીએને 336 સીટ મળી હતી, જ્યારે કૉંગ્રેસ 44 સીટ જ મેળવી શકી હતી.
આ જ રીતે 1998ની ચૂંટણીના ઍક્ઝિટ પોલના અનુમાન સાચા પડયા હતા ત્યારે ઍક્ઝિટ પોલે ભાજપના નેતૃત્વયુક્ત ગઠબંધનને 200થી વધુ સીટ મળશે, એવું અનુમાન આપ્યું હતું. જ્યારે કૉંગ્રેસના ગઠબંધનને 200 સીટ મળવાનું અનુમાન લગાવ્યું હતું, જ્યારે પરિણામ આવ્યાં તો ભાજપના ગઠબંધનને 252 અને કૉંગ્રેસના ગઠબંધનને 166 તથા અન્ય પક્ષોને 119 સીટ મળી હતી. ગત લોકસભા ચૂંટણી-2014ના પોલના અનુમાન લગભગ સાચા સાબિત થયા હતા, પરંતુ આ પહેલાં 2004 અને 2009ની ચૂંટણીના સતત બે ઍક્ઝિટ પોલની ભવિષ્યવાણી ખોટી પડી હતી. 2004માં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં અટલ બિહારી વાજપયીના નેતૃત્વમાં એનડીએ સરકારે ફરી સત્તામાં આવવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ આ અનુમાન ખોટું પડયું અને એનડીએને 189 સીટ અને યુપીએને 222 સીટ મળી હતી અને ડૉ. મનમોહનસિંઘ વડા પ્રધાન થયા હતા.
2004 બાદ 2009ના પોલમાં યુપીએ સરકાર પર એનડીએ ભારી પડશે, એવું અનુમાન લગાવ્યું હતું, પરંતુ કોઈએ એવું અનુમાન કર્યું ન હતું કે કૉંગ્રેસ એકલી 200થી વધુ સીટ જીતશે. પરિણામ જાહેર થયાં ત્યારે કૉંગ્રેસે 206 સીટ જીતી હતી અને યુપીએને કુલ 262 સીટ મળી હતી.
આ જ રીતે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ઍક્ઝિટ પોલના અનુમાન બિલકુલ ખોટા પડયા હતા. તમામ પોલમાં ભાજપ-પ્લસ જેડીયુ-આરજેડી ગઠબંધન પર ભાર પડશે, એવું દર્શાવ્યું હતું. પરંતુ પરિણામ બિલકુલ ઊલટા આવ્યાં અને ભાજપ-પ્લસને ફક્ત 58 સીટ જ મળી હતી, જ્યારે જેડીયુ-આરજેડી ગઠબંધનને 178 સીટ મળીને જીતનો પરચમ લહેરાવ્યો હતો.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer