ઘાટકોપરમાં બુકાનીધારી ત્રિપુટીએ એકની હત્યા કરી

ઘાટકોપરમાં બુકાનીધારી ત્રિપુટીએ એકની હત્યા કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ઘાટકોપરમાં સોમવારે સવારે સ્ટેશન પાસે એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના જાગૃતિ નગર મેટ્રો સ્ટેશન પાસે સવારે 11.30 વાગ્યે બની હતી. મૃત વ્યક્તિનું નામ બબલુ દુબે ઉર્ફે ચોટી છે અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાને લીધે આ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સૂત્રોએ કહ્યું હતું કે બુકાની બાંધેલા ત્રણ અજ્ઞાત જણ રિક્ષામાં આવ્યા હતા અને બબલુ દુબે પર ચાકુના વાર કરીને છૂ થઈ ગયા હતા. બબલુને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ એનુ પ્રાણપંખેરું  ઊડી ગયું હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં બબલુ દુબેની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બે હત્યારાની ધરપકડ કરી છે જ્યારે તેમના ત્રીજા સાગરીતને શોધી રહી છે.
પોલીસે કહ્યું હતું કે અંગત વેરઝેરને પગલે બબલુ દુબેની હત્યા કરવામાં આવી હોય એવી શંકા છે. બબલુ દુબે સામે કમસે કમ ચાર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આમાં એક હત્યાના પ્રયાસનો કેસ પણ 
સામેલ છે. તિલકનગર, ઘાટકોપર અને પંતનગર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસો નોંધાયેલા છે.
 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer