કોસ્ટલ રોડ બાંધવા પારસી ગેટ સ્થળાંતરિત કરાશે

કોસ્ટલ રોડ બાંધવા પારસી ગેટ સ્થળાંતરિત કરાશે
મુંબઈ, તા. 21 : મરીન ડ્રાઈવ પરના તારાપોરવાલા એક્વેરીયમ સામે આવેલો પારસી ગેટ કોસ્ટલ રોડના નિર્માણમાં અવરોધરૂપ બનતો હોવાથી તેને કામચલાઉ રીતે અન્યત્ર સ્થળાંતરિત કરવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના છે જેથી કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ આગળ વધી શકે.
એવું જણાયું હતું કે પારસીઓ માટે ધાર્મિક મહત્ત્વ ધરાવતો આ ગેટ બાંધકામની વચ્ચે આવે છે. આ માટે પાલિકાએ હેરિટેજ કમિટીની પરવાનગી માગી છે. પારસી ગેટ કોંક્રિટ પેડેસ્ટલ પર મલાડ સ્ટોનમાંથી નિર્મિત બે થાંભલામાંથી બનાવવામાં આવ્યો છે જે લગભગ પાંચ મીટર ઊંચો છે. તે પ્રાચીન પર્સિયન આર્કિટેકચરનો નમૂનો હોઈ લગભગ 100 વર્ષ પહેલાં આ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પારસીઓ અહીં ચોક્કસ દિવસોમાં આવી પ્રાર્થના કરે છે, એમ કોમના એક કાર્યકર હેનોઝ મિત્રીએ જણાવ્યું હતું.
અહીં વરસમાં એક વખત મોટો ઉત્સવ મનાવવામાં આવે છે અને સેંકડો પારસીઓ ભેગા થઈને પ્રાર્થના કરે છે. મિત્રીના જણાવવા મુજબ તેમના માટે આ ગેટ લાગણી પ્રધાન મૂલ્યો ધરાવે છે. જોકે, કોસ્ટલ રોડ પ્રોજેક્ટ આડે આ ગેટ આવતો હોવાથી સરકારી સત્તાવાળા તેને અન્યત્ર મૂકે તો અમને કોઈ વાંધો નથી, પણ કામ થઈ ગયા બાદ તેને રીસ્ટોર કરાશે તો અમને ખુશી થશે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે કોસ્ટલ રોડનું બોગદું બનાવવા પાલિકા સંભવત: તેને અન્યત્ર સ્થળાંતરિત કરશે.
 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer