ચૂંટણી પરિણામો અગાઉ શૅરોમાં સાવધાનીભર્યો સુધારો

ચૂંટણી પરિણામો અગાઉ શૅરોમાં સાવધાનીભર્યો સુધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : લોકસભાની ચૂંટણીનાં આજે પરિણામ આવશે. છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ તીવ્ર વધઘટ હજુ એકાદ અઠવાડિયું ચાલુ રહેવાની સંભાવના જોઈને રોકાણકારોએ ધીરજ રાખી હોઈ સ્થાનિક શૅરબજાર આજે તીવ્ર વધઘટ પછી સામાન્ય સુધારા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ ખાતે સેન્સેક્ષ આજે ટ્રેડિંગ દરમિયાન 39249 પૉઈન્ટની ઊંચાઈએ ગયા પછી સત્રના અંત ભાગમાં ઘટવા છતાં 140 પૉઈન્ટ સુધારે 39110 બંધ હતો. એનએસઈ ખાતે નિફટી 29 પૉઈન્ટ વધીને 11738 બંધ હતો. આજનો બંધ 11752 અને 11800ની મધ્યમ પ્રતિકાર સપાટી નીચે છે. આજે વીઆઈએકસ (વોલાટિલિટી) ઈન્ડેક્ષ 4 વર્ષની ઊંચાઈએ 30.18 કવોટ થયો હતો, જે આવનારા તીવ્ર તોફાનના એંધાણ સમાન ગણાય.
આજે બીએસઈ ખાતે સેન્સેક્ષમાં મુખ્ય સુધરનાર શૅરમાં કોલ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બૅંન્ક, સન ફાર્મા, બજાજ અૉટો, ભારતી ઍરટેલ અગ્રણી વધ્યા હતા. કુલ 30 શૅરમાંથી 25 વધવા સામે 5 ઘટીને બંધ રહ્યા હતા. આજે નિફટીના ક્ષેત્રવાર ઈન્ડેક્ષમાં 3 શૅર ઘટાડે અને 8 સુધરીને બંધ રહ્યા હતા. એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષ 24 પૉઈન્ટ ઘટવા સામે સ્મોલકેપ ઈન્ડેક્ષ 77 પૉઈન્ટ વધ્યો હતો.
વ્યક્તિગત શૅરમાં દીવાન હાઉસિંગ 12 ટકા ઘટીને રૂા. 107 બંધ હતો. જ્યારે જેટ ઍરવેઝ કંપની પુન: પ્રવૃત્ત થવાના આશાવાદે 5 ટકા વધ્યો હતો. નિફટીના મુખ્ય સુધરનાર શૅરમાં ઈન્ડસઈન્ડ બૅંન્ક, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, બજાજ અૉટો વધ્યા હતા.
આજે બજાર સુધારવા છતાં ઘટેલા અગ્રણી શેરમાં ટેક મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ડિયા બુલ્સ અને ગ્રાસીમમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બજારમાં ચીન-અમેરિકા પછી હવે ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધતો જતો હોવાથી ક્રૂડતેલના ભાવ આસમાન આંબે તેવી શક્યતા જોનાર બજારના પીઢ અનુભવીઓ વાહન અને તેલ માર્કેટિંગ સાથે રંગ-રસાયણ કંપનીમાં રોકાણ કરવાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. દેશમાં હવે નવી સરકાર સત્તારુઢ થયા પછી જુલાઈમાં સંભવત: પૂર્ણ અંદાજપત્ર રજૂ થશે. નવી સરકારની અગ્રતા અને પસંદગીના નવા ક્ષેત્રો પ્રમાણે અૉગસ્ટથી શૅરબજારનો લાંબા ગાળાનો ટ્રેન્ડ શરૂ થશે. આમ હજુ બે મહિના બજારમાં લાંબા ગાળાના રોકાણથી દૂર રહેવું સલાહભર્યું રહેશે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer