ઈપીએફઓ એનબીએફસીમાંથી રોકાણ પાછું ખેંચશે

ઈપીએફઓ એનબીએફસીમાંથી રોકાણ પાછું ખેંચશે
કંપનીઓની નાદારીના વધી રહેલા જોખમથી

મુંબઈ, તા.22 : નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી)ઓ ડિફોલ્ટ થતી હોવાથી તેમ જ તેમને ડાઉનગ્રેડ કરવામાં આવતી હોવાથી એપ્લોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) ડીએચએફએલ જેવી જોખમી કંપનીઓમાંથી તેમના અમૂક રોકાણો વહેલી તકે પાછા ખેંચવાની તૈયારીમાં છે.
સૂત્રોએ કહ્યું કે, ઈપીએફઓની ફાઈનાન્સ, ઈનવેસ્ટમેન્ટ અને ઓડિટ કમિટિ (એફઆઈએસી)ની આ મહિને થયેલી મિટિંગમાં આ બાબતે ગંભીર ચર્ચા થઈ હતી. અમૂક એનબીએફસીઓમાં જે ડાઉનગ્રેડિંગ થઈ રહ્યંy છે, તેના ઉપર ઈપીએફઓની નજર છે. એનબીએફસીથી ખોટ થાય નહીં તેથી રોકાણ પાછું ખેંચી લેવાની યોજના છે. પહેલી પ્રાથમિકતા કર્મચારીઓની નિવૃત્તિ ભંડોળને સુરક્ષિત કરવાની છે. 
એફઆઈએસીએ ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ (સીબીટી)ની સબ-કમિટિ છે. મુંબઈમાં આ સંદર્ભે મિટિંગ યોજાઈ હતી, જેમાં પોર્ટફોલિયો મેનેજર્સની કામગીરી અને નવા પોર્ટફોલિયો મેનેજર્સની નિમણૂક બાબતે ચર્ચા થઈ હતી, તેમ જ નિવૃત્તિ પેન્શન ભંડોળના રોકાણનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 
જોકે, કઈ એનબીએફસીમાંથી રોકાણ પાછું ખેંચવુ તેનો અંતિમ નિર્ણય સીબીટી જ કરશે, જેમાં કેન્દ્રના શ્રમ અને કર્મચારી મંત્રાલયના પ્રધાનનો સમાવેશ હશે. સૂત્રોએ ઉમેર્યું કે, અત્યારે ફક્ત નજર રાખવામાં આવી રહી છે, કદાચ એનબીએફસીઓનું રેટિંગ અપગ્રેડ થાય. સીબીટીની મિટિંગ જૂન અથવા જુલાઈમાં થશે. એનબીએફસીમાં ઈપીએફઓનું રોકાણ વધુ પ્રમાણમાં નથી. ઈપીએફઓનું રોકાણ જે એનબીએફસીમાં છે તે એકેય હજી ડિફોલ્ટ બની નથી. દેવામાં ડૂબેલી ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝીંગ એન્ડ ફાઈનાન્સ કંપનીના પ્રકરણ બાદ ઈપીએફઓ આ બાબતે વિચારી રહી છે.
આંકડા મુજબ ઈપીએફઓનું આઈએલએન્ડએફએસમાં રોકાણ રૂા.574.73 કરોડ હતું. 31 માર્ચ સુધીમાં ઈપીએફઓનું કુલ ઋણ કોપર્સ રૂા.9.78 લાખ કરોડ હતું, જેમાંથી આંશિક ભાગ એનબીએફસીમાં હોવાનો અંદાજ છે. હજી એ સ્પષ્ટ નથી કે કઈ એનબીએફસીમાં ઈપીએફઓએ રોકાણ કર્યું છે. 
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલને સુપરત કરેલી એફિડેવિટમાં આઈએલએન્ડએફએસએ કહ્યું કે, તેઓ પેન્શન અને પ્રોવિડંડ ફંડ્સ હેઠળ રૂા.9,134 કરોડનું રોકાણ ત્વરિત ચૂકવી શકશે નહીં. કારણ કે આઈબીસીની રિઝોલ્યુશન પ્રક્રિયા ઉપર અસર પડશે. 
આથી આઈએલએન્ડએફએસ અને અન્ય કંપનીઓ રોકાણની દૃષ્ટિએ જોખમી છે. અમૂક કંપનીઓના ઈનવેસ્ટમેન્ટ મેનેજરનું કહેવું છે કે, ઈપીએફઓની જેમ બાકાત ટ્રસ્ટો પાસે એનબીએફસીમાંથી રોકાણની પુન:ચૂકવણી કરવાની તાકાત નથી. નોટબંધી બાદ એનબીએફસીએ સારુ વળતર આપ્યું હતું, તેમ જ પીએસયુમાં રોકાણ પણ આકર્ષક હતું.
ઈકરાએ આઈડીએફસી ફર્સ્ટ બૅન્કના એનસીડીનું રેટિંગ ઘટાડયું
ક્રેડિટ રેટિંગ એજન્સી ઈકરાએ આઈડીએફસી ફર્સ્ટ બૅન્કના લાંબા ગાળાના ડેબ્ટ સાધનોનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને `એએ+'થી `એએ' કર્યું છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીની નબળી આવક અને ઉંચી જોગવાઈને લીધે રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. ઈકરાએ નિવેદન આપ્યું કે, આવકની નબળી પ્રોફાઈલ અને બૅન્ક બ્રાન્ચમાં વધારો થયો હોવાથી આવક સામે ખર્ચ વધતા રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. બૅન્કની આવક સામે ખર્ચનો રેશિયો વધીને 80 ટકા થયો છે, જેની સામે મુખ્ય આવક ત્રિમાસિક ધોરણે 2.8 ટકા વધી છે. બૅન્કના રૂા.38,689 કરોડના બાકી નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) માટેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. માર્ચ ત્રિમાસિકમાં બૅન્કની ડિપોઝીટ્સ સહિતની કુલ ધિરાણ રૂા.1.4 લાખ કરોડ હતી. ઉંચી જોગવાઈને લીધે સૂચિત ત્રિમાસિક ગાળામાં બૅન્કને રૂા.218 કરોડની ખોટ થઈ હતી. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer