મુંબઈમાં 21 પુલ છે જોખમી

સ્ટ્રક્ચરલ રિઅૉડિટમાં જોખમી પુલની સંખ્યામાં 15નો વધારો

મુંબઈ, તા. 22 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પાસે આવેલ `િહમાલય' પુલ દુર્ઘટના બાદ મુંબઈના બધા જ પુલનું નવેસરથી સ્ટ્રક્ચરલ અૉડિટ કરવામાં આવ્યુ હતું. આ રપોર્ટ મુજબ વધુ 21 પુલ જોખમી જણાયા છે. સ્ટ્રક્ચરલ અૉડિટમાં જોખમી જણાયેલા 29 પુલમાંથી આઠ પુલ પાડી નાખવામાં આવ્યા છે. તેમજ જોખમી પુલ વાહનવ્યવહાર અને પાદચારીઓ માટે બંધ કરવામાં આવ્યા હોવાનું પાલિકાએ સ્પષ્ટ કર્યું છે. ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી પુલનું સમારકામ અૉક્ટોબર મહિનામાં શરૂ થશે. 
હિમાલય પુલ દુર્ઘટના પછી પાલિકા કમિશનર અજોય મહેતાએ આપેલા આદેશ બાદ મુંબઈના બધા જ પુલનું ફરીથી અૉડિટ કરવામાં આવ્યું હતું. તે મુજબ કરેલા સ્ટ્રક્ચરલ અૉડિટમાં પૂર્વ ઉપનગરના 7, પશ્ચિમ ઉપનગરના 19 અને શહેર વિસ્તારના 3 પુલ જોખમી હોવાનું જણાયું છે. શહેર વિભાગના ત્રણે અતિજોખમી પુલ પાડી નાખવામાં આવ્યા છે. તેમજ સ્ટ્રક્ચરલ અૉડિટમાં જે પુલોનું સમારકામ સૂચવવામાં આવ્યું હતું તે પણ શરૂ કરવામાં આવ્યું છે. 
પશ્ચિમ ઉપનગરમાં હંસ બુગ્રા માર્ગ, પાઈપલાઈન સર્વિસ રોડ બ્રિજ, બલભાટ નાળા બ્રિજ, વિઠ્ઠલ મંદિર ઈરાની વાડી રગડાપાડા બ્રિજ, એસવી રોડ કૃષ્ણકુંજ પાસેનો બ્રિજ, આર્કુલી રોડ, હનુમાન નગર બ્રિજ, ઓશિવરા નાળા, એસવી રોડ બ્રિજ, પિરામલ નાળા, લિંક રોડ, એસબીવાય કૉલોની બ્રિજ, રતન નગરથી દૌલત નગર બ્રિજનો સમાવેશ છે.
પૂર્વ ઉપનગરમાં જનાયેલા સાત જોખમી પુલમાંથી ચાર પુલ તોડી પાડવામાં આવ્યા છે અને કુર્લાનો હરી મસ્જિદ નાળા, લક્ષ્મી બાગ કલ્હર્ટ નાળા બ્રિજ, ઘાટકોપર નિકાંથ બ્રિજ જોખમી છે. પાલિકાએ વિક્રોલી પંતનગર નાળા પરના બ્રિજ પર રાહદારીઓ બંધ કરવા માટે બૅરિકેટ્સ લગાડયા હતા એ સ્થાનિક લોકોએ હટાવી દીધા છે. 
સ્ટ્રક્ચરલ અૉડિટમાં વધારાના જે 15 પુલ જોખમી જણાયા છે તે ચોમાસામાં રાહદારીઓ અને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. તેથી અહીં ટ્રાફિકજામની સમસ્યામાં વધારો થશે. જેને કારણે નાગરિકોને તકલીફ થશે. આ પાર્શ્વભૂમિ પર પાલિકાએ સંબંધિત સ્થળોએ પર્યાયી માર્ગની વ્યવસ્થા કરવાની યોજના વિષે વિચારણા કરી છે. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer