લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પણ ગુજરાતમાં પેટા ચૂંટણીની મોસમ!

લોકસભા લડી રહેલા ભાજપ-કોંગ્રેસના 11 ધારાસભ્યોમાંથી જે પણ ચૂંટાશે ત્યાં ફરી વિધાનસભાની પેટાચૂંટણીની થશે ધામધૂમ!
 
હૃષિકેશ વ્યાસ તરફથી
અમદાવાદ, તા.22: લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે .બન્ને  રાજકીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસમાં ઉત્સાહનું વાતાવરણ છે. જો કે ગુજરાતના રાજકારણમાં લોકસભા ચૂંટણી પરિણામો બાદ મોટી ઉથલપાથલ સર્જાય તેવી પૂરેપૂરી  શક્યતા જોવાઇ રહી છે. આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ તરફથી 11 જેટલા ધારાસભ્યો ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જેમાં 8 કૉંગ્રેસના અને 3 ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં લોકસભા ચૂંટણી લડી રહેલા જેટલા ધારાસભ્યો ચૂંટાશે તેટલા ધારાસભ્યોની વિધાનસભા બેઠકો ખાલી થશે અને ત્યાં ફરી વિધાનસભાની પેટાચૂંટણીની ધામધૂમ શરૂ થશે. 
ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો જાળવી રાખવાના પડકાર ઝિલી રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રાદેશિક આગેવાનો માટે ફરી વિધાનસભાની પેટાચૂંટણીઓ જીતવાનો મોટો પડકાર સામે આવશે. ગત 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 99 બેઠકો મેળવીને સરકાર બનાવ્યા બાદ મુખ્યપ્રધાન માટે ફરી પેટાચૂંટણીમાં જીત મેળવવી ફરજિયાત બનશે. જ્યારે તેની સામે કૉંગ્રેસને વકરો એટલો નફો જેવી સ્થિતિ છે. આમ છતાં સરકારને સતત ભીંસમાં રાખવા પેટાચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પણ સહેજ પણ કચાશ નહીં રહેવા દે તે પણ નક્કી છે. 
મહત્વનું છે કે, વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી કૉંગ્રેસે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને અમરેલી, લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલને સુરેન્દ્રનગર, ઉનાના ધારાસભ્ય પુંજા વંશને જૂનાગઢ, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડને સાબરકાંઠા, ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને રાજકોટ, ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડાને ગાંધીનગર, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને વલસાડ બેઠક પરથી લડાવવામાં આવ્યા છે. એવી જ રીતે ભાજપ દ્વારા રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળતા ધાનેરાના ધારાસભ્ય પરબતભાઇ પટેલને બનાસકાંઠા, વિધાનસભા ગૃહમાં ઉપદંડકનો હોદ્દો સંભાળતા ભરતસિંહ ડાભીને પાટણ અને લુણાવાડાના ભાજપના ધારાસભ્ય રતનસિંહ રોઠોડને પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી છે. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer