મુંબઈમાં હવામાં ભેજને કારણે ગરમી અસહ્ય બની છે

મુંબઈ, તા. 22 : હવામાં ભેજનો વધારો થઈ રહ્યો હોવાથી મુંબઈગરાઓને વધુ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે અને મુંબઈગરા પર ગરમીનો મારો સતત ચાલુ રહેશે. મુંબઈ શહેર સમુદ્રને અડીને હોવાથી બીજાં શહેરોની તુલનામાં અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે.ભેજ કે હ્યુમિડિટીનું સ્તર વધતા શ્વાસની બીમારીના દર્દીઓ અને ત્વચાની તકલીફ હોય તેવા દર્દીઓને વધુ તકલીફ થાય છે. 
અત્યારે મુંબઈનું તાપમાન 34 ડિગ્રી સેલ્શિયસની આસપાસ હોય છે, પરંતુ હ્યુમિડિટીમાં દરરોજ ફેરફાર થતો રહે છે. ગત રવિવારે હ્યુમિડિટીનું સ્તર 98 ટકાએ પહોંચ્યું હતું. પણ સોમવારે ઓછું થઈને 90 ટકા અને મંગળવારે 73 ટકા હતું. હવામાન વિભાગના પશ્ચિમ ભારતના ઉપમહાનિર્દેશક કે એસ હોસાલિકરે કહ્યું હતું કે, સામાન્ય રીતે મે મહિનામાં હ્યુમિડિટી વધે છે, પરંતુ 98 સુધી જાય એ અસામાન્ય બાબત છે. હ્યુમિડિટીનું પ્રમાણ ઘટયું હોવા છતાં ગરમી ઓછી થઈ નથી. આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ ઓછું થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. મુંબઈમાં હવા ઉત્તર-પશ્ચિમ વાય છે. જેને કારણે શહેરમાં ભેજનું પ્રમાણ વધે અને હ્યુમિડિટી પણ વધે છે. 
આ પ્રકારના વાતાવરણમાં મુંબઈગરાઓએ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. શરીર સંપૂર્ણ રીતે ઢાંકીને બહાર જવું, સુતરાઉ કપડાં પહેરવાં, બહુ સજ્જડ નહીં પણ ખુલ્લાં કપડાં પહેરવાં, પ્રવાહીનું વધુ સેવન કરવા જેવી અનેક તકેદારીઓ રાખવી પડશે. શ્વાસના રોગના દર્દીઓ બહાર જાય ત્યારે માસ્ક પહેરીને જવું જોઈએ. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer