દેવ તારે તેને કોણ મારે ?

માતાની રેલવે પાટામાં આત્મહત્યા, નવ મહિનાની બાળકી બચી ગઈ

મુંબઈ, તા. 22 : `દેવ તારે તેને કોમ મારે' આ ઉક્તિ ગત રવિવારે જોગેશ્વરી સ્ટેશને સાચી ઠરી હતી. પતિ સાથે થયેલા ઝઘડાથી આવેશમાં આવેલી એક યુવાન મહિલા તેની નવ મહિનાની પુત્રી સાથે રેલવેના પાટા પર આવી. એ માસૂમ બાળકી સાથે તેણે દોડતી લોકલ સામે ઝંપલાવ્યું. એ મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પરંતુ જન્મદાતા માતાએ પ્રયાસ કરવા છતાં અને નિર્દોષ બાળકી બચી ગઈ હતી. તેને એક ઘસરકો પણ પડયો નહોતો.
દેવાશ્રી આગરકર નામની યુવતી રવિવારે સવારે તેની માતા સાથે બોરીવલી-ચર્ચગેટ લોકલમાં પ્રવાસ કરી રહી હતી. ટ્રેન જોગેશ્વરી સ્ટેશને પહોંચતા જ તેણે ફાસ્ટ ટ્રેનના ટ્રેક પર એક બાળકીને રડતાં જોઈ હતી. કાળઝાળ તડકામાં પાટા પર પડેલી બાળકીને જોઈને દેવાશ્રીએ મદદ માટે બૂમ પાડી. તેની બૂમ સાંભળીને એક પ્રવાસી પાટા પર કૂદયો હતો અને તેણે એ બાળકીને ઊંચકીને દેવાશ્રીને સોંપી હતી. એ બાળકીથી થોડે દૂર તેની માતાનો મૃતદેહ પડયો હતો.
ગત રવિવારે પશ્ચિમ રેલવેમાં દિવસે મેગા બ્લોક ન હોવાથી ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ હતો અને દેવાશ્રીની સમયસૂચકતા તેમ જ માનવતાને કારણે બાળકીના પ્રાણ બચી ગયા હતા.
આ ઘટનાથી જોગેશ્વરી સ્ટેશને ધાંધલ મચી ગઈ હતી અને ઘટના સ્થળે રેલવે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતક મહિલા પાસેના મોબાઇલમાંથી તેના પરિવારજનોનો સંપર્ક સાધી તપાસ કરી હતી. એમાં જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારી મહિલાનું નામ ગાયત્રી જયસ્વાલ હોવાનું જાણવા મળ્યું હતું.
રવિવારે સવારે ઘરમાં પતિ સાથે ગાયત્રીનો ઝઘડો થયો હોવાનું કહેવાય છે અને આથી આવેશમાં આવી જઈને તે નવ મહિનાની બાળકી સાથે ઘરમાંથી નીકળી પડી હતી અને તેણે આત્મહત્યા કરી હશે, એવી શંકા કુટુંબીજનો વ્યક્ત કરી રહ્યા છે.
પોલીસે આ દુર્ઘટનામાં જેનો વાળ પણ વાંકો થયો નહોતો તે બાળકીને જયસ્વાલ કુટુંબને સોંપી હતી. મૃતદેહના પંચનામા સહિતની પ્રક્રિયામાં પોણો કલાક લાગ્યો હતો ત્યાં સુધી દેવાશ્રીએ બાળકીની સંભાળ લીધી હતી.
દરમિયાન ગાયત્રીના આત્મહત્યા પ્રકરણે અપમૃત્યુની નોંધ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાટીલે જણાવ્યું હતું.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer