કાંદા-બટેટાના વેપારીઓ APMC માર્કેટની જગ્યા છોડવા તૈયાર નથી

નવી મુંબઈ, તા. 22 : નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં આવેલા કાંદા-બટેટા માર્કેટની ઈમારત જોખમી હોવાથી પહેલી જૂનથી ત્યાં વેપાર બંધ કરવાનો નિર્ણય એપીએમસી પ્રશાસને લીધો છે. આ બજાર સ્થળાંતરિત કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવેલી જગ્યાએ જવાની વેપારીઓએ ના પાડી છે અને એપીએમસીના નિર્ણયના વિરોધમાં કોર્ટમાં કેસ કર્યો છે. ચોમાસું શરૂ  થવાને હવે કેટલોક જ સમય બાકી છે છતાં વેપારીઓ અને પ્રશાસનના વિવાદનો અંત નથી આવતો. એટલે આવતા મહિના મુંબઈગરાંને કાંદા અને બટેટાની અછત વર્તાય તો નવાઈ નહીં. 
કાંદા-બટેટા માર્કેટને નવી મુંબઈ પાલિકાએ અતિજોખમી જાહેર કરી છે. આ માર્કેટની પરિસ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ હોવાથી એપીએમસીના સેક્રેટરી અનિલ ચૌહાણે પહેલી જૂનથી આ માર્કેટ વેપાર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો વેપારીઓએ જબરજસ્ત વિરોધ કર્યો છે અને એપીએમસીએ તૈયાર કરેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં જવાની ના પાડી છે. આ નિર્ણયના વિરોધમાં વેપારીઓએ મુંબઈ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 
કાંદા-બટેટા માર્કેટમાં 250 વેપારીઓ ગાળાધારક છે અને 150 વેપારી ગાળા વગરના છે. આ માર્કેટમાં દરરોજ કાંદાની સરેરાશ 100 થી 125 અને બટેટાની સરેરાશ 120 ગાડીઓની આવક થાય છે. આટલી આવક થાય તો જ મુંબઈ અને પરિસરમાં કાંદા-બટેટાના ભાવ સ્થિર રહે છે. આટલા મોટા પ્રમાણમાં આવક હોવાથી પ્રશાસને વેપારીઓ માટે મોટી જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ તેવો મત વેપારીઓનો છે. 
પહેલી જૂનથી કાંદા-બટેટા માર્કેટમાં ગાળાનો વેપાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. જ્યારે માર્કેટમાં આવેલા અૉક્શન હાઉસ વેપારીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. આ અૉક્શન હાઉસમાં 100 જેટલા વેપારીઓની વ્યવસ્થા કરવામાં આવશે. બાકીના વેપારીઓ માટે નજીકમાં આવેલ મૅફકોની જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે. જે ખેડૂતો કાંદા અને બટેટાનું વેચાણ કરે છે તેના માટે શાકભાજી માર્કેટમાં જગ્યા કરવામાં આવી હોવાની માહિતી એપીએમસીના અધિકારીએ આપી હતી. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer