કાંદિવલીના મહાવીર નગરમાં કાર સ્ટેક છ વર્ષના બાળક પર પડયું, જીવ ગયો

કાંદિવલીના મહાવીર નગરમાં કાર સ્ટેક છ વર્ષના બાળક પર પડયું, જીવ ગયો
મુંબઈ, તા.22  : કાંદિવલીના મહાવીર નગરની એક સોસાયટીમાં કાર પાર્કિંગની હાઇડ્રોલિક રૅમ્પ કાર સમેત નીચે પડતા તેની નીચે દબાઇને છ વર્ષના એક બાળકનું કરૂણ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી છે. 
પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર નગરમાં પાવન ધામ પાસે આવેલી વીણા-સંતૂર બિલ્ડિંગના હાઇડ્રોલિક પાર્કિંગની નજીક સવારે દસેક વાગ્યે  છ વર્ષનો નિહાલ વાસવાની રમી રહ્યો હતો ત્યારે અચાનક એક કાર સાથે રૅમ્પ ખાબકી હતી અને તેની નીચે નિહાલ દબાઇ ગયો હતો. નિહાલને તત્કાળ નજીકની હૉસ્પિટલે લઇ જવાયો હતો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 
આ ઘટના સોસાયટીની એચ વિંગમાં બની હતી. એક રહેવાસીએ કહ્યું હતું કે કાર સ્ટેક પર પાર્કિંગની શરૂઆત દસ દિવસ પહેલાં જ થઈ હતી. એવું લાગતું હતું કે આ કાર સ્ટેકનું વેલ્ડિંગ એકદમ નબળું હતું અને ગમે ત્યારે પડે એવી સ્થિતિમાં જ હતું.
જ્યારે અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે કાર અને સ્ટેક નીચે નિહાલ વાસવાની ચગડાઈ ગયો હતો, જ્યારે એની સાથે રમતો છોકરો સહેજ માટે બચી ગયો હતો.
આ બિલ્ડિંગ નવું જ હોવાથી થોડા સમય પહેલાં જ રહેવાસી રહેવા આવ્યા છે.
પોલીસે અત્યારે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. અકસ્માત માટે જવાબદારો વિરૂદ્ધ ગુનાહીત બેદરકારીનો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer