ફરી છવાયો મોદી મેજીક : ગુજરાતની 26 બેઠક પર ભાજપનો કબજો

ફરી છવાયો મોદી મેજીક : ગુજરાતની 26 બેઠક પર ભાજપનો કબજો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23: લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત મોદી મેજીક છવાયો છે. ગુજરાતમાં ગત લોકસભા ચૂંટણીની માફક આ વખતે પણ ભાજપે 26 બેઠક પર કાબૂ જમાવ્યો છે. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે મોટો દાવ રમી વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલી બેઠક પર મેદાને ઉતાર્યા હતા, પરંતુ શરૂઆતના તબક્કે આગળ ચાલી રહેલા પરેશ ધાનાણી હાલ પાંચ રાઉન્ડના અંતે ભાજપના નારણ કાછડિયાથી પાછળ ચાલી રહ્યા છે. આમ કૉંગ્રેસની એકમાત્ર બેઠક પર આશાની કિરણ હતું તે પણ ધ્વંશ થઇ ગયું છે અને ભાજપ તમામ 26 બેઠક કબજે કરવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. 
ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રોજકોટ બેઠક પર ભાજપના મોહનભાઇ કુંડારિયા પાંચ રાઉન્ડના અંતે 2,05,166 મત મેળવી કૉંગ્રેસના લલિત કગથરાથી આગળ છે. જામનગર બેઠક પર ભાજપના પુનમબેન માડમ 1,25,864 મત મેળવી તેમના હરીફ કૉંગ્રેસના મૂળુભાઇ કંડોરિયાથી આગળ ચાલી રહ્યા છે.
આણંદ બેઠક પર ભાજપના મીતેષ પટેલ (બકાભાઇ) 1,20,337 મત મેળવી તેમના હરીફ કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કરતા આગળ ચાલી રહ્યા છે. 
દરમિયાન, ગાંધીનગરની હાઇપ્રોફાઇલ બેઠક પર  મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમની હરીફ ઉમેદવાર કૉંગ્રેસના સી. જે. ચાવડા કરતા આગળ નીકળી ગયા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે અમિત શાહ 2.5 લાખ મતોથી આગળ છે. જો ગુજરાતના પરિણામના ટ્રેન્ડની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer