નરેન્દ્ર મોદીના નામે પ્રચંડ બહુમતી

નરેન્દ્ર મોદીના નામે પ્રચંડ બહુમતી
નરેન્દ્ર મોદીના નામે અને એમના ચરણમાં દેશની જનતાએ 330થી વધુ બેઠકો ધરી દીધી છે. ગઠબંધન અને મહાગઠબંધનના જાતિવાદ અને કૉંગ્રેસ-ગાંધી પરિવારવાદને આખરી જાકારો આપી દીધો છે એમ કહી શકાય. મોદી નામનો ચક્રવાત દેશભરમાં ફરી વળ્યો છે અને વિરોધ પક્ષોનાં સૂપડાં સાફ થઈ ગયાં છે - મોટા નેતાઓ અને અભિનેતાઓનાં અભિમાન ધરાશાયી થયાં છે.
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભાજપે ફરીથી ગઢ જીતી લીધા છે. મહારાષ્ટ્રમાં-અને મુંબઈમાં ભાજપ-શિવસેનાની જોડીએ કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસને મરણતોલ ફટકો માર્યો છે. આ ચૂંટણીમાં સૌની નજર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ઉપર હતી - શાબ્દિક હિંસા પછી શારીરિક હિંસાનો જવાબ જનતાએ આપી દીધો છે. 2014ની સરખામણીમાં 2019માં બેઠકોની ખાધ પડવાની ગણતરી હતી, પણ મામૂલી ખાધ અન્ય વિસ્તારોમાં પૂરાઈ ગઈ છે.
વિપક્ષી નેતાઓએ પરાજયનો પડછાયો જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી. હવે આઘાતથી વિચાર - અને વાણી ગુમાવી બેઠા છે. સૌથી વધુ આઘાત કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને, એમના પરિવારને અને કૉંગ્રેસ કાર્યકરોને લાગ્યો છે. હવે પછી રાજકીય ઘટનાઓ ઝડપથી બનશે એમ જણાય છે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer