પાકિસ્તાની ખેલાડીઓ પત્ની કે પરિવાજનોને સાથે રાખી શકશે નહીં

પાકિસ્તાની ખેલાડીઓ પત્ની કે પરિવાજનોને સાથે રાખી શકશે નહીં
અૉસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની વન ડે શ્રેણીના ઘોર પરાજય બાદ પીસીબીએ નિર્ણય બદલ્યો

લાહોર, તા.24: આઇસીસી વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મહત્વનો ફેંસલો લીધો છે. પીસીબીએ વિશ્વ કપ દરમિયાન તેના ખેલાડીઓને પત્ની અને પરિવાર સાથે રહેવાની મંજૂરી આપી નથી. પીસીબી ઇચ્છે છે કે ખેલાડીનું ધ્યાન વિશ્વ કપ પર કેન્દ્રિત રહે. આથી પીસીબીએ નિર્ણય લીધો છે કે 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલ પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ સાથે તેમની પત્ની કે પરિવાજનો ટીમ હોટેલ રૂમમાં સાથે રહી શકશે નહીં.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે હાલમાં જ ઇંગ્લેન્ડમાં રમાયેલ વન ડે શ્રેણી અને એ પહેલા યૂએઇમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની વન ડે શ્રેણી દરમિયાન ખેલાડીઓને પત્ની અથવા પરિવાજનોને સાથે રાખવાની છૂટ મળી હતી. આ બન્ને શ્રેણીમાં પાક. ટીમનો ઘોર પરાજય થયો હતો. આથી પીસીબીએ વર્લ્ડ કપમાં નિર્ણય ફેરવ્યો છે. આમ છતાં કોઇ ખેલાડીના પરિવારના સદસ્યે ઇંગ્લેન્ડની યાત્રા કરવી હશે તો તે ખુદે વ્યવસ્થા કરવાની રહેશે. એવા રિપોર્ટ છે કે આ મામલે હેરિસ સોહિલ એકમાત્ર એવો ખેલાડી છે કે તેને છૂટ મળી છે. તેનું કારણ બહાર આવ્યું નથી. પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 31મીએ તેનો પહેલો મેચ રમશે.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer