શૅરબજારની તેજીથી સોનામાં નરમાઇ

શૅરબજારની તેજીથી સોનામાં નરમાઇ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.24 : ઇક્વિટી માર્કેટમાં તેજીનો દોર જળવાઇ રહેવાથી સોનાના ભાવ ઉપર દબાણ હતું. ન્યૂ યોર્કમાં 1285 સુધી વધ્યા પછી આ લખાય છે ત્યારે સોનું 1280 ડૉલર રનિંગ હતું. અમેરિકી ડૉલરના મૂલ્યમાં નરમાઇ હતી. ફેડ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવશે તેવી હવા ફેલાઇ છે. જોકે, ચાલુ સપ્તાહે સોનું સાધારણ સુધારો નોંધાવવામાં સફળ નીવડયું છે.
સાક્સો બૅન્કના કૉમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હેનસેન કહે છે, ક્રૂડતેલના ભાવમાં ફરીથી તેજી દેખાઇ રહી હોવાથી સોનામાં સલામત રોકાણની માગ વધવાની શક્યતા છે. જોકે, ક્રૂડ ન વધે તો સોના માટે કોઇ ખાસ કારણ છે નહીં. જી 20 દેશોની બેઠક તાજેતરમાં યોજાવાની છે એમાં ચીનના પ્રમુખ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે વાતચીત કરશે નહીં તેવી સ્પષ્ટતા ચીનના એક દૈનિક દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ટ્રમ્પ ટ્રેડવોર મુદ્દે સાચી દિશામાં વાટાઘાટ થઇ રહી હોવાનું કહી રહ્યા છે.
ડૉલર ઇન્ડેક્સના મૂલ્યમાં બે વર્ષની ટોચ પછી નરમાઇ હતી. અમેરિકામાં ઉત્પાદકીય પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે એટલે વિકાસદર પણ નીચો જશે તેવું લાગતા ડૉલર નબળો છે. ડૉલર વધુ નબળો પડે તો અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. સોનાના સ્થિર થયેલા ભાવને તેનાથી ફાયદો થાય એમ છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 100 વધીને રૂા. 32,900 હતો. મુંબઈમાં રૂા. 110 ઘટતા રૂા. 31,717 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 14.50 ડૉલરના સ્તરે હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 37,100ના ભાવ સ્થિર હતા. મુંબઈ ચાંદી રૂા. 45ના ઘટાડામાં રૂા. 36,285 હતી.
Published on: Sat, 25 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer