ટ્રમ્પ `મોદી''મય : ફરી ફોન કરી અભિવાદન કર્યું

ટ્રમ્પ `મોદી''મય : ફરી ફોન કરી અભિવાદન કર્યું
વાશિંગ્ટન, તા. 25 : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ વધુ એકવાર અભિવાદન કર્યું છે. તેઓએ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, ભારત અને અમેરિકા પોતાના સંબંધોને આગળ વધારવા ઇચ્છે છે. મોદી એક મહાન નેતા અને સારાં વ્યક્તિ છે. ભારતના લોકો ભાગ્યશાળી છે. આ અગાઉ ટ્રમ્પે ટ્વિટર પર મોદીને ધન્યવાદ આપ્યા હતા. મોદીની આગેવાનીમાં ભાજપ 303 સીટ જીતીને પૂર્ણ બહુમત સાથે સત્તામાં પરત ફરી છે.  ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાને કહ્યું કે, મેં વડા પ્રધાન મોદી સાથે વાત કરીને તેઓને અમેરિકા તરફથી ધન્યવાદ પાઠવ્યા છે. તેઓને ચૂંટણીમાં મહાન સફળતા મળી છે. તેઓ મારાં મિત્ર છે અને ભારત-અમેરિકા વચ્ચે સારાં સંબંધો છે.
વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના નેતા જાપાનના ઓસામાં યોજાનારી જી-20 સમિટમાં મળશે. આ સમિટ 28 અને 29 જૂનના રોજ યોજાશે. આ દરમિયાન ભારત, અમેરિકા અને જાપાન મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને લઇને ચર્ચા કરશે.

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer