અમિત શાહ - સ્મૃતિ ઇરાની હવે લોકસભામાં

અમિત શાહ - સ્મૃતિ ઇરાની હવે લોકસભામાં
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.25 : લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં મોદી મેજીક ચાલ્યો છે જેના કારણે કૉંગ્રેસ સહિતના સાથી પક્ષોને ધોબીપછાડ ખાવાનો વારો આવ્યો છે. ગુજરાતની હાઇપ્રોફાઇલ અને વીઆઈપી બેઠક ગણાતી ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જંગી લીડ સાથે વિજયી બન્યા છે. એવી જ રીતે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હરાવ્યા છે જેના કારણે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે. 
મહત્ત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની ગુજરાતનાં રાજ્યસભાનાં સભ્ય છે અને આ બંને નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે ત્યારે હવે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.
અગાઉ રાજ્યસભાની એક બેઠક ખાલી પડી હતી, જેમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ વિજેતા થયા હતા. હવે ફરી ગુજરાતમાં આગામી દિવસોમાં જ રાજ્યસભાની બે બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાજપનું મોવડીમંડળ અત્યારથી જ રાજ્યસભામાં કોને મોકલવા તે અંગે ચર્ચા-વિચારણા કરી ટૂંક સમયમાં નિર્ણય લેશે ત્યારે ભાજપ ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર કોને મોકલાશે તે જોવું રહ્યું.

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer