કિવિઝ સામેની અભ્યાસ મેચમાં ટીમ ઇન્ડિયાની પોલ ખુલી

કિવિઝ સામેની અભ્યાસ મેચમાં ટીમ ઇન્ડિયાની પોલ ખુલી
ભારતીય બેટધરો આઇપીએલના હેંગઓવરમાંથી હજુ બહાર આવ્યા નથી

લંડન તા.26: વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કર્યાં પહેલા ટીમ ઇન્ડિયાની ન્યુઝીલેન્ડ સામેના અભ્યાસ મેચ દરમિયાન પોલ ખુલી ગઇ છે. કંગાળ દેખાવ સાથે ભારતીય ક્રિકેટ ટીમ કિવિઝ સામેનો આ પ્રેકટિસ મેચ 6 વિકેટે હારી ગઇ હતી. કોહલીસેના માત્ર 39.2 ઓવરમાં 179 રનમાં ડૂલ થઇ ગઇ હતી. ભારતીય ટીમને વિશ્વ કપની દાવેદાર માનવામાં આવે છે, પણ કિવિ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટની સ્વિંગ બોલિંગ સામે ભારતના ટોચના બેટધરો નતમસ્તક થઇ ગયા હતા. ભારતની નંબર ચારની બેટિંગ સમસ્યા પણ અભ્યાસ મેચના નિરાશાજનક દેખાવથી વધુ જટિલ બની છે. ચાર નંબર પર ઉતરેલ કેએલ રાહુલ અપેક્ષા પર ખરો ઉતર્યોં નહી. 50 રનમાં તો ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. 
આઇપીએલના હેંગઓવરમાં હોય તે રીતે ભારતીય બેટસમેનો વન ડેમાં રમી રહયા હતા. એવું લાગી રહયું હતું કે ભારતીય બેટધરો હજુ 20 ઓવરના ફોર્મેટમાંથી 50 ઓવરના ફોર્મેટમાં ઢળ્યા નથી. આથી ફટાફટ ક્રિકેટની ચકકરમાં વિકેટ ગુમાવી રહયા હતા.
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને ફોર્મમાં આવવાનો વધુ એક મોકો મળશે. બીજો અભ્યાસ મેચ બંગલાદેશ સામે મંગળવારે રમાવાનો છે. એ પછી ભારતીય ટીમ સીધી વર્લ્ડ કપમાં ઉતરશે. આ મહાસંગ્રામમાં ભારતનો પહેલો મુકાબલો પ જૂને મજબૂત દ. આફ્રિકા સામે થશે. આફ્રિકા પાસે તો ન્યુઝીલેન્ડથી વધુ ઝડપી બોલિંગ આક્રમણ છે. એ દિવસે જો હવામાને આફ્રિકાનો સાથ આપ્યો તો ટીમ ઇન્ડિયાની અને ખાસ કરીને તેના બેટધરોની મુશ્કેલી વધી જશે. 
વિશ્વ કપ પહેલા આ મેચ ભૂલવો પડશે : કોહલી
અભ્યાસ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય સુકાની કોહલીએ સ્વીકાર્યું કે ટીમે આજનો દિવસ ભુલીને વિશ્વ કપ માટે તૈયાર થવું પડશે. કોહલીએ કહયું અમે યોજના અનુસાર ન રમ્યા. જો કે આગળ જતાં અમે સારી ચુનૌતી આપશું. ઇંગ્લેન્ડમાં જયારે વાદળછાયું વાતાવરણ હોય છે ત્યારે તમારા આવી આશા (બોલ્ટે કરેલી ખતરનાક સ્વિંગ બોલિંગ) રાખવાની હોય છે. આમ છતાં 50 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ 180 રને પહોંચવું સારો પ્રયાસ ગણાશે. આ મેચમાં જાડેજાએ અર્ધસદી કરી, હાર્દિકે કેટલાક રન કર્યા, ધોનીએ દબાણ ઓછું કર્યું. આ બધી સકારાત્મક વાત રહી. અમારી બોલિંગ સારી રહી. 
વિશ્વ કપમાં રનના ઢગલા થશે નહીં : બોલ્ટ
ભારત સામેના અભ્યાસ મેચમાં સ્વિંગ બોલિંગની કમાલ બતાવીને 4 વિકેટ ઝડપનાર કિવિ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે કહ્યું કે વિશ્વ કપની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ સામેની જીતથી ન્યુઝિલેન્ડનું મનોબળ વધશે. બોલ્ટે કહ્યંy ઓવેલની પીચ પરથી સ્વિંગ મળવો સારું લાગ્યું. મને આવી પીચ ગમે છે. અમારા બોલિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું. બોલ્ટે એમ પણ કહ્યં કે હું નથી માનતો કે ઇંગ્લેન્ડની પીચો પર વિશ્વ કપમાં રનના ઢગલા થશે. જો આવી જ વિકેટ મળશે તો બોલરોને પણ ફાયદો થશે.

Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer