11 ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટમાં પાંચ દેશ જ બની શક્યા છે વિજેતા

11 ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટમાં પાંચ દેશ જ બની શક્યા છે વિજેતા
સૌથી વધુ પાંચ વખત ઓસ્ટ્રેલિયા બન્યું વિશ્વ ચેમ્પિયન : શરૂઆતના બન્ને વિશ્વકપ જીતનારી વિન્ડિઝની ટીમ પાસે ઉથલપાથલ કરવાનો મોકો 
 
નવી દિલ્હી, તા. 26 : આગામી 30મી મેથી ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વિશ્વકપની શરૂઆત થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટનું 12મું સંસ્કરણ છે. જેમાં કુલ 10 ટીમો વિશ્વ વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરવાની છે. વર્ષ 1975માં ઈંગ્લેન્ડને પહેલી વખત વિશ્વકપનું યજમાન બનવાનો મોકો મળ્યો હતો. જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. ત્યારથી અત્યારસુધી 11 વિશ્વકપ યોજાઈ ચૂક્યા છે. જેમાં માત્ર પાંચ ટીમો જ સફળ રહી છે.
વેસ્ટ ઈન્ડિઝે જીત્યો 1975નો વિશ્વકપ
1975ના પહેલા વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ક્લાઈવ લોયડની કેપ્ટનશિપમાં લોર્ડ્સના મેદાનમાં  ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
1979માં ફરી વિન્ડિઝની જીત
પહેલા વિશ્વકપમાં પોતાની ધાક જમાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે સતત બીજો વિશ્વકપ પણ પોતાના નામે કર્યો હતો. જેના ફાઈનલ મેચમાં  ઈંગ્લેન્ડ ઉપર 92 રને જીત મેળવી હતી.
1983માં ભારતની દમદાર જીત
ભારતીય ક્રિકેટ ટીમ બે વખતની વિશ્વવિજેતા વિન્ડિઝની ટીમને હરાવી ખિતાબ જીત્યો હતો. લોર્ડસમાં રમાયેલા ફાઈનલમાં કપિલ દેવના નેતૃત્વમાં ભારતે 183 રન કર્યા હતા. જેના જવાબમાં વિન્ડિઝની ટીમ 140માં ઢેર થઈ હતી. 
ઓસ્ટ્રેલિયાએ જીત્યો 1987નો વિશ્વકપ
1987માં ભારત અને પાકિસ્તાને આયોજનની જવાબદારી લીધી હતી. ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ  ઈંગ્લેન્ડને માત્ર સાત રને હરાવ્યું હતું.
1992માં પાકિસ્તાનની જીત
1992નો વિશ્વકપ યાદગાર રહ્યો હતો. જેમાં પહેલી વખત તમામ ટીમો રંગીન ડ્રેસમાં રમી રહી હતી. તેમજ દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપરથી પ્રતિબંધ પણ દુર થયો હતો. આ વિશ્વકપમાં ઈમરાનની કેપ્ટનશિપમાં પાકિસ્તાન ફાઈનલમાં ઈંગ્લેન્ડને 22 રને હરાવીને વિશ્વચેમ્પિયન બન્યું હતું. 
1996માં શ્રીલંકાનો સપાટો
1996નો વિશ્વકપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાયો હતો. જેમાં શ્રીલંકા પહેલી વખત ફાઈનલમાં પહોંચ્યું હતું અને અર્જૂના રણતુંગાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે સરળ જીત મેળવીને ખિતાબ કબ્જે કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના નામે 1999નો વિશ્વકપ
એલન બોર્ડર બાદ સ્ટીવ વોની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બીજો વિશ્વકપ જીત્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે સેમિફાઈનલ ટાઈ થયા બાદ રનરેટના હિસાબે ફાઈનલમાં જગ્યા મળી અને પાકિસ્તાન ઉપર એકતરફી જીત મેળવી હતી.
2003માં પણ ઓસ્ટ્રેલિયા વિજેતા
ભારતીય ટીમ 2003માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સતત બીજો વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં ભારતની ટીમને 125 રનથી હાર મળી હતી. 
ઓસ્ટ્રેલિયાની વિશ્વકપ જીતની હેટ્રીટ
સતત બે વિશ્વકપ જીત્યા બાદ સતત ત્રીજા વિશ્વકપમાં પણ ઓસ્ટ્રેલિયાએ પોતાનો લય યથાવત રાખ્યો હતો અને પોઈન્ટગની  કેપ્ટનશિપમાં શ્રીલંકા ઉપર 53 રને જીત મેળવી હતી. 
ભારતે જીત્યો 2011 વિશ્વકપ
મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે બીજી વખત વિશ્વ વિજેતા બનવાનો પ્રયાસ સફળ બનાવ્યો હતો. ફાઈનલમાં શ્રીલંકા સામે ધોનીએ છગ્ગો ફટકારીને ટીમને 6 વિકેટે જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયાએ ફરી જીત્યો 2015નો વિશ્વકપ
2015માં ઓસ્ટ્રેલિયાની ટીમને માઈકલ ક્લાર્કના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડ ઉપર 7 વિકેટે સરળ જીત મેળવી હતી અને પાંચમી વખત વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer