કર્ણાટક સરકાર ઉપર જોખમ

બે કૉંગ્રેસી વિધાનસભ્ય એસએમ કૃષ્ણાને મળ્યા
 
કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા કૃષ્ણા સાથે શિષ્ટાચાર મુલાકાત હોવાનો દાવો કર્યો 

બેંગલુરૂ, તા. 26 : લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજનીતિક હલચલ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા એસ.એમ.કૃષ્ણા સાથે બે કોંગ્રેસી વિધાયકોએ મુલાકાત કરી હતી. જેને લઈને કર્ણાટકનું રાજકારણ ફરી ગરમાયું છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ વિધાયકો ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતાઓએ કર્યો હતો. જો કે કોંગ્રેસી વિધાયકોએ કહ્યું હતું કે, તે માત્ર શિષ્ટાચાર મુલાકાત હતી. 
કોંગ્રેસના રમેશ જરકીહોલી અને ડોક્ટર સુધાકરે ભાજપના નેતા એસ.એમ. કૃષ્ણાના ઘરે મુલાકાત કરી હતી. આ સામયે કૃષ્ણાના આવાસે ભાજપના નેતા આર. અશોક પણ હાજર હતા. જરકિહોલીએ મુલાકાત અંગે કહ્યું હતું કે, તેઓએ કોઈ રાજકીય મુલાકાત કરી નહોતી. કૃષ્ણાજીની પાર્ટીએ 25 બેઠકો જીતી છે અને તેના અભિનંદન આપવા માટે મુલાકાત કરી હતી. ભાજપ નેતા આર. અશોકે પણ કહ્યું હતું કે, કોઈ રાજનીતિક વાતચીત કરવામાં આવી નહોતી. તેમણે કહ્યું હતું કે, એસએમ કૃષ્ણા સાથે પક્ષ સંબંધિત વાતચીત કરવા આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા જરકિહોલી અને સુધાકર ત્યાં હતા. આ બન્ને નેતાઓ સાથે કોઈ મિત્રતા ન હોવાનો દાવો પણ આર. અશોકે કર્યો હતો. 
કર્ણાટક વિધાનસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. પરંતુ સરકાર જેડીએસ-કોંગ્રેસની છે. કર્ણાટકમાં ગઠબંધન સરકાર બન્યા બાદ પણ સતત હલચલ થઈ રહી છે અને કોગ્રેસ-જેડીએસના નેતાઓ અંદરોઅંદર પણ નિવેદનબાજી કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી અગાઉ ભાજપે દાવો કર્યો હતો કે 10 વિધાયક ભાજપની છાવણસીમાં આવવા માટે તૈયાર છે. જો કે બાદમાં આ ઓપરેશન આગળ વધ્યું ન હોવાની પણ વાત સામે આવી હતી. કર્ણાટકમાં સરકાર બનાવતા ચૂકી ગયેલા ભાજપે લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રદેશની 28માંથી 25 બેઠકો ઉપર પક્ષે જીત મેળવી છે. જેમાં કર્ણાટકથી કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા પણ હારી ગયા છે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer