ચૂંટણીપંચના આંકડા મુજબ તમામ 20,625 વીવીપેટની ખરાઇ સાચી

ઇવીએમ અગ્નિપરીક્ષામાં પાસ

નવી દિલ્હી, તા. 26 : લોકસભા ચૂંટણી દરમ્યાન વિપક્ષે ઇવીએમની વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ પરિણામો પછી ચૂંટણીપંચના આંકડા અનુસાર ઇવીએમ અને વીવીપેટની સરખામણી સંપૂર્ણ સાચી નીકળી છે.
આમ, ઇવીએમ અગ્નિપરીક્ષામાંથી પાર પડી જતાં વિપક્ષી છાવણીએ દર્શાવેલી શંકા ખોટી પડી છે. તમામ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર 20,625 વીવીપેટમાંથી એક પણ મશીનમાં મિસ મેચ થયું નથી.
આ વખતે 17.3 લાખમાંથી 20,625 વીવીપેટની મત ચિઠ્ઠી ઇવીએમમાં પડેલા મતો સાથે સરખાવાઇ હતી. જ્યારે અગાઉની લોકસભા ચૂંટણીમાં માત્ર 4125 વીવીપેટની ચકાસણી કરાઇ હતી.
ચાલુ વર્ષે 90 કરોડ મતદારોએ મત આપવાના હતા જેના માટે ચૂંટણીપંચે કુલ્લ 22.3 લાખ બેલેટ?યુનિટ, 16.3 લાખ કંટ્રોલ યુનિટ તેમજ 17.3 લાખ જેટલા વીવીપેટ યુનિટનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત આઠમી એપ્રિલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીપંચે દરેક લોકસભા બેઠકના કમસે કમ પાંચ મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટની સરખામણી કરવાની વ્યવસ્થા કરી હતી.
ઇવીએમમાં પડેલા મતોની સાચી જાણકારી અને રેકોર્ડ માટે વીવીપેટની વ્યવસ્થા 2013-14ના વર્ષમાં શરૂ?કરાઇ હતી.
Published on: Mon, 27 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer