ચુડાસમાએ ટીકાઓના જવાબમાં નારાજગી સાથે કરી સ્પષ્ટતા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.26:  સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર સુરતના ટયૂશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં 22 નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રીબડા ખાતે ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા આયોજિત ડાયરામાં હોવા અંગે સોશિયલ મીડિયામાં થયેલી ભારે ટીકાઓના જવાબમાં તેમણે નારાજગી સાથે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ  જણાવ્યું હતુ ંકે, મહિપતસિંહ જાડેજા 83 વર્ષની ઉંમરના થયા છે. એમણે એવું વિચાર્યુ કે ઢળતી ઉંમરે મારી અંગત સંપત્તિ રીબડા ગામની તમામ જ્ઞાતિની કુંવારી દીકરીઓને રોકડ અને સોનાના રૂપમાં વહેચી દેવી છે. આ કાર્યક્રમ નક્કી થયો તે પહેલા 15 દિવસ અગાઉ મને હાજર રહેવા આગ્રહ કર્યો હતો.આવી સામાજીક સમરસતા અને ઉદારતાને સમાજના આગેવાન તરીકે બિરદાવવી જોઇએ, જેમાંથી અન્ય લોકો પણ પ્રેરણા લે અને આવું સત્કાર્ય કરે, માત્ર આ હેતુથી એમની આ સેવાવૃતિને બિરદાવવા માટે હું હાજર રહ્યો હતો. 
શિક્ષણપ્રધાને વધુમા કહ્યું કે, 10 વાગ્યે પહોંચીને 10-30 વાગ્યે મહિતપસિંહને અભિનંદન અને શુભેચ્છા પાઠવીને નીકળી ગયો હતો અને ડાયરો 11-30 વાગ્યે શરૂ થયો હતો. આ સેવાકીય કામને એક લાખથી પણ વધુ સર્વ જ્ઞાતિના લોકે હાજર રહીને બિરદાવ્યો હતો. 
Published on: Mon, 27 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer