સુરત અગ્નિકાંડમાં પોલીસે ફરાર બન્ને બીલ્ડરની ધરપકડ કરી

સુરત અગ્નિકાંડમાં પોલીસે ફરાર બન્ને બીલ્ડરની ધરપકડ કરી
પોલીસે કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 26 : તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં પોલીસ ઍકશન મૂડમાં આવી છે. ગઈકાલે પોલીસે કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કર્યા બાદ તક્ષશિલા બાંધનાર બીલ્ડર અને તેના ભાગીદારની ધરપકડ માટે બે અલગ-અલગ ટીમને કામે લગાડી હતી. જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. મોડી સાંજે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કર્યા બાદ માત્ર ચોવીસ કલાકમાં ફરાર બીલ્ડરને શોધી કાઢયા છે. વેકરિયા હરસુખભાઈ કાનજીભાઈ (ઉ.47) કે જેઓ મૂળ રાજકોટના ઉપલેટાના છે અને સુરતમાં રહી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તક્ષશિલાનું બાંધકામ પણ તેઓએ કર્યું છે. 
બાંધકામમાં કેટલીક ગેરરીતિઓ અને ગેરકાયદે દસ્તાવેજો તૈયાર કરીને વધારાનાં બાંધકામની મંજૂરી મેળવી હોવા સહિતની ફરિયાદ બીલ્ડર સામે ઊઠી છે. આજે પોલીસે હરસુખભાઈ સાથે તક્ષશિલા બિલ્ડિંગનાં બાંધકામના ભાગીદાર માલિક જિજ્ઞેશ સવજીભાઈ પાઘડાળાની ધરપકડ કરી છે. બન્ને ભાગીદાર મૂળ રાજકોટના ઉપલેટના ઢાંકગામના વતની છે. છેલ્લાં ઘણાં વર્ષથી સુરતમાં સ્થાયી થઈ બાંધકામનો ધંધો કરે છે. પોલીસે બન્ને આરોપી સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 304, 308, 114 મુજબ ગુનો નોંધી ધરપકડ દર્શાવી છે. 
ગઈકાલે પોલીસે કોચિંગ ક્લાસનાં સંચાલકની ધરપકડ કરી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે કોચીંગ ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીનાં બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા છે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer