ડૉ. દાભોળકર હત્યા કેસ

ડૉ. દાભોળકર હત્યા કેસ
આરોપી વકીલ અને સનાતન સંસ્થાના સભ્યને પહેલી જૂન સુધીની સીબીઆઇ કસ્ટડી

પુણે, તા. 26 (પીટીઆઇ) : અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પ્રમુખ ડૉ. નરેન્દ્ર દાભોળકરની હત્યાના કેસમાં પુરાવાના નાશ કરવાના મામલે પકડાયેલા એક વકીલ અને એક જમણેરી વિચારધારાની સંસ્થાના સભ્ય એમ બે આરોપીને આજે પહેલી જૂન સુધી સીબીઆઇ કસ્ટડીમાં મોકલી અપાયા છે. 
કેન્દ્રીય તપાસ સંસ્થા (સીબીઆઇ)એ શનિવારે વકીલ સંજીવ પુનાલેકર અને સનાતન સંસ્થાના સભ્ય વિક્રમ ભાવેની મુંબઈમાં ધરપકડ કરી હતી. બંને આરોપીને આજે પુણેના અતિરિક્ત સેશન્સ જજ એસએન સોનાવણે સમક્ષ હાજર કરાયા હતા અને બંને પક્ષોની દલિલો સાંભળીને આરોપીઓને પહેલી જૂન સુધી સીબીઆઇની કસ્ટડીનો આદેશ કરાયો હતો.
20 અૉગસ્ટ, 2013ના પુણેમાં પોતાના ઘરેથી મોર્નિંગ વૉક માટે નીકળેલા ડૉ. દાભોળકરની ગોળીઓ મારીને હત્યા કરાઇ હતી. આ હત્યા કેસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હત્યાના આરોપીઓને પુનાલેકર અને ભાવે સાથે સંબંધો છે અને તેમણે હત્યારાઓને મદદ ઉપરાંત પુરાવાનો નાશ કરવામાં પણ ભૂમિકા ભજવી છે. 
આજે સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસમાં પકડાયેલા આરોપી શૂટર શરદ કાળસ્કરે ડૉ. દાભોળકર ઉપરાંત કર્ણાટકના મહિલા પત્રકાર અને વિચારક ગૌરી લંકેશની હત્યા કરી હતી અને હત્યામાં વપરાયેલાં હથિયારોના નાશ માટે પુનાલેકરે મદદ કરી હતી. હત્યા અગાઉ હત્યા કરવાના સ્થળની મોજણી કરીને ભાવેએ આરોપીઓને સઘળી માહિતી આપી હતી. આ ભાવે વર્ષ 2008માં ગડકરી રંગાયતન વિસ્ફોટ કેસનો પણ દોષિત છે અને આ કેસમાં તે જામીન પર મુક્ત છે. જામીન મુક્તિ બાદ ભાવેએ મરાઠીમાં એક પુસ્તક લખ્યું હતું જેનું શિર્ષક હતું `માલેગાંવ સ્ફોટમાગીલ અદૃશ્ય હાત'. શનિવારે કોર્ટમાં સીબીઆઇએ કહ્યું હતું કે ભાવેએ જ ડૉ. દાભોળકરની ઓળખ શૂટરોને આપી હતી. ડૉ. દાભોળકર હત્યા કેસમાં અત્યાર સુધીમાં આ વકીલ ઉપરાંત સનાતન સંસ્થાના સભ્ય અને નાક-કાન-ગળાના ડૉ. વિરેન્દ્રસિંહ તાવડે, સચીન અંદુરે અને કાળસ્કર સહિત કુલ છ આરોપી પકડાયા છે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer