વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 26 :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  2019ની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ આજે માદરે વતન ગુજરાતની ધરતીને નમન કરવા આવ્યા હતા. આ સાથે વડા પ્રધાન મોદીએ અમદાવાદમાં ખાનપુર જે.પી. ચોક ખાતે જનમેદનીને સંબોધી  હતી, ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર ખાતે તેમનાં માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. નરેન્દ્રભાઇ  મોદી સતત બીજી વખત વડા પ્રધાન બની રહ્યા છે ત્યારે તેમણે વડા પ્રધાનપદના શપથ લેતાં પહેલાં માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. 
આ અગાઉ પણ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ નરેન્દ્રભાઇ મોદીએ તેમની માતાને બે વખત મળ્યા હતા અને તેમની માતાએ  ચૂંટણી અગાઉ નરેન્દ્રભાઇને આશીર્વાદ આપ્યા હતા કે દીકરા તું ફરીથી દેશનો વડા પ્રધાન બનીને દેશની સેવા કરીશ. માતાના આશીર્વાદ મોદીને બીજી વખત ફળ્યા છે. 
માતાના આશીર્વાદ મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજ ભવન ખાતે રાત્રિ રોકાણ કરનાર છે. સંભવત: રાજ્યના મુખ્ય પ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે તેઓ બેઠક પણ કરે તેવી શક્યતા વર્તાઇ રહી છે. આવતી કાલે સવારે તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ અમદાવાદથી વારાણસી રવાના થશે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer