આગામી પાંચ વર્ષ વિશ્વમાં ભારતનું ખરું સ્થાન પાછું મેળવવાનાં હશે મોદી

આગામી પાંચ વર્ષ વિશ્વમાં ભારતનું ખરું સ્થાન પાછું મેળવવાનાં હશે મોદી
એક તરફ કર્તવ્ય અને બીજી તરફ કરુણા : વડા પ્રધાન સુરતની ઘટનાથી વ્યથિત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 26 : આગામી પાંચ વર્ષ વૈશ્વિક વ્યવસ્થામાં ભારતનું ખરું સ્થાન પાછું હાંસલ કરવા માટેનાં હશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં વિજયને પગલે અત્રે જે.પી. ચોક, ખાનપુર ખાતે યોજાયેલા સમારંભમાં વડા પ્રધાને કહ્યું હતું કે ભૂતકાળમાં આપણો દેશ આવું સ્થાન ધરાવતો હતો. મને ખાતરી છે કે વૈશ્વિક વ્યવસ્થામાં ભારત તેનું મહત્ત્વ ફરી હાંસલ કરશે. દેશના ઇતિહાસમાં આગામી પાંચ વર્ષ મહત્ત્વનાં બની રહેશે જેવો કે 1942થી 1947 સુધીનો સમયગાળો હતો.
સુરતમાં આગ કરુણાંતિકાને કારણે આજનો સમારંભ ઝાકઝમાળ વિના ખૂબ જ સાદો રખાયો હતો. સુરતમાં આગ કરુણાંતિકામાં 22 વિદ્યાર્થીનાં મૃત્યુ અંગે ખેદ વ્યક્ત કરતાં મોદીએ જણાવ્યું હતું કે આ સન્માન સમારંભ માટે જવું કે નહીં જવું તે વિશે હું ગઈકાલ સુધી દ્વિધામાં હતો, કારણ કે એક તરફ `કર્તવ્ય' હતું અને બીજી તરફ સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ માટેની `કરુણા' હતી. આ કરુણાંતિકામાં પોતાનાં સંતાનોને ગુમાવનારા પરિવારોનું દુ:ખ અને વ્યથા સહાનુભૂતિના આપણા ગમે તેટલા શબ્દોથી પણ ઓછાં નહીં થાય.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ ગુજરાતની પ્રજાનો મારે આભાર માનવાનો હતો અને મારી ફરજ તરીકે મારી માતાનાં આશીર્વાદ પણ લેવાના હતા.
તેમણે એમ પણ કહ્યું કે, આઝાદી બાદની કેટલીય ચૂંટણીઓના કેટલાય રેકર્ડ આ વખતની ચૂંટણીમાં તૂટયા છે. જેમ વિજય આવે તેમ તેની સાથે જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. વિજયની પહેલી શરત એ હોય કે તેને પચાવવાની તાકાત હોવી જોઇએ. વિવેક, મર્યાદા અને નમ્રતા એવી જડીબુટ્ટીઓ છે, જે વિજયને પચાવવામાં મદદ કરે છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશની આ પ્રથમ ચૂંટણી હશે કે મેં છ તબક્કા પછી સાર્વજનિક રીતે એવી ઘોષણા કરી હતી કે એનડીએ 300ના આંકડાને પાર કરશે ત્યારે લોકોએ મારી ઘણી મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે, આ લોકસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પંડિતો અનુમાન લગાવવામાં ગોથા ખાઇ ગયા હતા. સમગ્ર ચૂંટણી દરમિયાન જોવા મળ્યું કે, એ  જ સરકારને ફરીથી બેસાડવા માટે, સરકારના કામને અનુમોદન માટે ટેકો આપવા માટે લોકો મત આપતા હતા. પ્રત્યેક મતમાં તાકાત હતી કે આ સરકારને મજબૂત બનાવવી છે. આ મજબૂત સરકારથી આપણા સપનાં સાકાર થશે. સમૃદ્ધિની દિશા પકડાશે, પ્રોઇન્કમ્બન્સી વોટ સંપૂર્ણપણે પોઝિટિવ મત લોકેએ આપ્યા.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer