બનાસકાંઠામાં એક અઠવાડિયામાં વધુ એક બાળકી

બનાસકાંઠામાં એક અઠવાડિયામાં વધુ એક બાળકી
 અંધશ્રદ્ધાનો ભોગ બનતાં સરકાર જાગી
 
ભાર્ગવ પરીખ તરફથી  
અમદાવાદ, તા. 11 : ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામમાં  એકવીસમી  સદીનો પવન   આજે પણ અહીંના લોકોને નથી અડક્યો. હજુ પણ લોકો  બીમારીમાં નાનાં બાળકોને ડોક્ટર પાસે લઇ જવાના બદલે  ભુવાને હવાલે કરે છે, એક અઠવાડિયામાં આવી જ રીતે બે બાળકીઓને બીમારીમાંથી સાજી કરવા માટે અપાયેલા ડામ પછી સરકાર સફાળી જાગી છે અને હવે ડામ આપનાર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.  
બનાસકાંઠાના લાખની ગામમાં છેલ્લા પાંચ દિવસથી એક વર્ષની નાની બાળકીને ખેંચ આવી રહી હતી, જેના કારણે એના પરિવારજનો એને ભુવા પાસે લઇ ગયા હતા. ભુવાએ શરૂઆતમાં તાંત્રિક વિધિ કરી, પણ કોઈ ફરક પડ્યો નહિ એટલે આ ભુવાએ બાળકીના પેટ ઉપર ચાર ડામ આપ્યા. બાળકીને ત્યાર બાદ પણ કોઈ ફરક નહિ પડતાં એની દાદી ફરીથી ભુવા પાસે લઇ જઈ રહી હતી પરંતુ આ દરમ્યાન ભુવાએ આપેલા ડામથી સેપ્ટિક થઇ જતાં બાળકીની હાલત ગંભીર થવા લાગી હતી. આ બાળકીને ભુવા પાસે લઇ જઈ રહી હતી ત્યારે અચાનક એના પિતા ખેતરેથી પરત આવતાં એમણે બાળકીની હાલત જોઈ અને સ્થાનિક ડોક્ટરનો સંપર્ક કર્યો પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી એને લાખની ગામથી 40 કિલોમીટર દૂર ડીસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી એને આઈસીયુમાં રખાઈ છે.  
અત્રે ઉલ્લેખનીય છેકે આવી જ રીતે બીજી જૂને ભુવા દ્વારા ડામ અપાયેલી એક બાળકીનું મોત થયું હતું. એક અઠવાડિયામાં અંધશ્રદ્ધાને કારણે ડામ આપ્યાની બીજી ઘટના સર્જાતાં સરકાર પણ સફાળી જાગી છે. રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કાનનીએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં અંધશ્રદ્ધાને કારણે બાળકીઓને ડામ આપવાના કિસ્સા વધ્યા હોવાનું જણાયું છે. અમે આ અંગે એક ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આવનારા દિવસોમાં આવી ઘટના ઓછી થાય, એના માટે અમે ખાસ ટીમ બનાવી બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં જાગૃતિ લાવવાનો ખાસ કાર્યક્રમ પણ કરીશું.
Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer