પ્લેન હાઇજેકિંગની ધમકી મુંબઈના હીરાના વેપારીને

પ્લેન હાઇજેકિંગની ધમકી મુંબઈના હીરાના વેપારીને
આજીવન કેદ અને પાંચ કરોડનો દંડ ફટકારાયો

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : પ્લેન હાઇજેકિંગની ધમકીભર્યો પત્ર લખવા મામલે દોષિત ઠરેલા બિરજુ સલ્લાને અમદાવાદ સ્થિત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) કોર્ટે આજીવન કેદ અને રૂા.5 કરોડનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત કોર્ટે કો-પાઇલોટને રૂા.1-1 લાખ વળતર અને એર હૉસ્ટેસને રૂા.50-50 હજાર તથા તમામ પેસેન્જરને રૂા.25 હજારનો વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. અમદાવાદમાં ઍન્ટી હાઇજેકિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ગુનો નોંધાયો છે. 
મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં મળેલા ધમકીભર્યા પત્ર મામલે મુંબઇના બિઝનેસમેન બિરજુ સલ્લા સામે એન્ટી હાઇજેકિંગ એક્ટ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જુલાઇ-2016થી અમલમાં આવેલા આ કાયદા હેઠળ ઓક્ટોબર  2017માં દેશભરમાં અમદાવાદમાં પહેલો ગુનો નોંધાયો હતો. બિરજુ સલ્લાએ પ્લેન હાઇજેકિંગની ધમકી આપતા પ્લેનને અમદાવાદમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. ધમકીભર્યો પત્ર પ્લેનના વોશરૂમમાં સંતાડયો હતો, જે સ્ટાફને હાથ લાગ્યો હતો. આ પત્રમાં જણાવ્યું હતું કે, પ્લેનના કાર્ગો એરિયામાં બોમ્બ છે અને તેમાં અપહરણકારો પણ સવાર છે.
તપાસમાં બહાર આવ્યું કે મુંબઇથી બિઝનેસ ક્લાસમાં સવાર થયેલા બિરજુ સલ્લાએ અંગ્રેજી  અને ઉર્દૂમાં એક નોટ બનાવી હતી અને તેને ઇરાદાપૂર્વક પ્લેનના ટોઇલેટના ટિશ્યૂપેપર બોક્સમાં મૂકી દીધી હતી. બિરજુ સલ્લાનો લખેલો પત્ર મળતા જ પ્લેનમાં સવાર પેસેન્જરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. એનઆઇએની ચાર્જશીટમાં એવો દાવો કરાયો હતો કે, બિરજુ સલ્લાની આ હરકતથી એરલાઇનને બદનામ કરી તેને બંધ કરાવવા માગતો હતો અને આમ કરીને તે આ એરલાઇનમાં કામ કરતી પોતાની એક મિત્રને પાઠ ભણાવવા માગતો હતો. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટે પ્લેન હાઇજેકિંગના 2016ના નવા કાયદા હેઠળ દેશમાં સૌપ્રથમ સજા બિરજુ સલ્લાને ફટકારી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સ્પેશિયલ કોર્ટના જજ એમ કે દવેએ બિરજુ સલ્લાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer