મુંબઈના ડેવલપર્સ આજે મોરચો કાઢશે

મુંબઈ, તા. 13 : મુંબઈ ઉપનગરોના 127 ડેવલપર્સ અને તેમના કર્મચારીઓ આજે કાંદિવલીમાં આવેલી પાલિકાની બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગની અૉફિસ સામે વિરોધ મોરચો યોજશે. તેમના રિયલ્ટરોએ જણાવ્યું હતું કે રીડેવલપમૅન્ટ પ્રોજેક્ટોને લગતી ફાઈલો વર્ષોથી અટકી પડી છે.
પશ્ચિમી ઉપનગરોની જૂની અને જર્જરિત બિલ્ડિંગોનું રીડેવલપમૅન્ટ કરનારા મોટા ભાગના ડેવલપર્સે ભેગા મળીને તેમનું એસોસિયેશન બનાવ્યું છે જેની મેમ્બરશિપ બે સપ્તાહમાં જ 10થી વધીને 127 થઈ ગઈ હતી.
રિતેશ શાહ નામના ડેવલપરે જણાવ્યું હતું કે આ શાંતિ મોરચો છે. અમે ડેવલપર્સ થાકી ગયા છીએ. રીડેવલપમેન્ટ અટકી ગયું છે. અગાઉ ડેવલપમૅન્ટ પ્લાન (ડીપી) પ્રક્રિયામાં હોવાથી પ્રોજેક્ટો આગળ વધતા ન હતા. હવે ડીપી થઈ ગયું હોઈ ફાઈલો એક યા બીજાં કારણથી રિજેક્ટ કરવામાં આવે છે. પ્રોજેક્ટોમાં વિલંબ થાય છે. અમને ખૂબ જ તકલીફ પડે છે કેમકે વ્યાજનું ભારણ વધતું જાય છે. જૂની બિલ્ડિંગોના ભાડૂતોને ભાડું ચૂકવાતું નથી તેથી કામ આગળ વધતું નથી. જૂની બિલ્ડિંગોનું તાકીદે રીડેવલપમેન્ટ જરૂરી હોવા છતાં તે અટકી જવાના ડરથી ડેવલપર્સ પ્રોજેક્ટો હાથમાં લેતા નથી.
આ 127 ડેવલપર્સ આજે (ગુરુવારે) તેમની અૉફિસો બંધ રાખશે અને તેમનો સ્ટાફ મોરચામાં તેમની સાથે જોડાશે. અસરગ્રસ્ત બિલ્ડિંગોના કેટલાક ભાડૂતો પણ તેમાં સામેલ થશે. કાંદિવલીમાં લગભગ 2000 લોકો આ મોરચો કાઢશે.
ડેવલપર્સે પાલિકા અને શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ સાથે અનેક મિટિંગો યોજી હતી. બીલ્ડરોના જણાવવા મુજબ તેમનો પ્રતિસાદ સકારાત્મક હતો અને સત્તાવાળાઓએ થોડા દિવસનો ટાઈમ માગ્યો હતો છતાં મોરચો યોજાશે.
મોટા ભાગના બીલ્ડરો ગોરેગામથી દહીંસરના છે, તો કેટલાક બાંદરા સુધીના છે. પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ જણાવ્યું હતું કે `િનયત ડેવલપમૅન્ટ કંટ્રોલ પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશનમાં ન પડતા હોય તે સિવાયના બધા કેસ પર પ્રક્રિયા કરાઈ રહી છે.
 

Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer