પુલોનું વીજેટીઆઈ દ્વારા ફરીથી અૉડિટ કરાવવા પાલિકાની વિચારણા

મુંબઈ, તા. 16 : શહેરના લગભગ 29 પુલને બે વખત કરાયેલા અૉડિટમાં જોખમી જાહેર કરાયા છે, જેમાંથી 26 પુલ તો ગટર, નાળાં કે નદી પર બંધાયેલા છે. અૉડિટના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગટર કે નદીઓમાં વહેતા ગંદાં અને ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીને કારણે બ્રિજની લોખંડની ફ્રેમ્સ સડી ગઇ છે. આ ઉપરાંત અનિયમિતપણે પુલોના નિરીક્ષણ અને નિયમિતપણે ન કરાયેલા સમારકામના કારણે પુલોની હાલત જોખમી બની ગઇ છે. હવે ચોમાસું માથે ગાજે છે ત્યારે આ તમામ પુલો બંધ કરાયા હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરશે એ નક્કી છે. પાલિકાએ જે તોડી પાડવામાં નથી આવ્યા એ બ્રિજોનું નવેસરથી વીજેટીઆઇ દ્વારા અૉડિટ કરવાની ઇચ્છા દર્શાવી છે જેથી આ પુલ જો કમસેકમ ચોમાસા પૂરતા રાહદારીઓ કે હળવાં વાહનો માટે પણ ખુલ્લા રહી શકે તો ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને થોડી રાહત મળે.
મુંબઈના નબળા બ્રિજોની આ યાદીમાં કેટલાક રાહદારી પુલો, રેલઅૉવર બ્રિજો, સ્કાયવૉક્સ અને ફ્લાયઅૉવર બ્રિજો તેમ જ નાળાં અને નદીઓ પરના પુલોનો સમાવેશ થાય છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીકનો હિમાલય રાહદારી પુલ ખાબક્યા અગાઉ શહેરના તમામ 344 બ્રિજોના અૉડિટ કરાયા હતા તેમાં માત્ર 14 પુલોને જ જોખમી ગણાવાયા હતા તેમાં માત્ર ત્રણ રાહદારી પુલો અને બાકીના 11 નાળાંઓ અને નદી પરના બ્રિજોનો સમાવેશ થયો હતો, પરંતુ હિમાલય બ્રિજની જીવલેણ દુર્ઘટના બાદ ફરીથી કરાયેલા તમામ બ્રિજના અૉડિટમાં વધુ 15 બ્રિજોને જોખમી જાહેર કરાયા છે, જે બધાં બ્રિજ નાળાં અને નદીઓ પર બંધાયેલા છે.
જોખમી જાહેર કરાયેલા બ્રિજોમાં ઘાટકોપર લક્ષ્મી બાગ કલ્વર્ટ, બાંદ્રા-ધારાવી રોડ, જુહુ તારા રોડ, રામચંદ્ર નગર નાળાં બ્રિજ, મલાડ લિંક રોડ બ્રિજ, મલાડ, ઓશિવરા નાળાં બ્રિજનો સમાવેશ થાય છે, જે તમામ બ્રિજ 30 મીટર કે તેથી વધુ પહોળાઇના છે. આમાંથી આઠ બ્રિજનોને તોડી પાડવામાં આવ્યા છે અને બાકીના મોટા ભાગનાને ટ્રાફિક માટે બંધ કરાયા છે. 
બ્રિજ ડિપાર્ટમેન્ટના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મુંબઈની ચોમેર દરિયો છે અને શહેર ટાપુઓનો સમૂહ હોવાથી હવામાં જ ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી લોખંડને કાટ લાગવાની શક્યતા વધુ છે, નાળાંઓ અને નદીઓમાં પ્રદૂષિત ગંદું અને ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી વહેતું હોવાથી તેના પરના બ્રિજોની લોખંડની ફ્રેમ્સ સડી જવાની શક્યતા તો નકારી જ  ન શકાય. અવનવી ટેક્નૉલૉજી આવી છે, પરંતુ નાળાંઓ અને નદીઓ પરના બ્રિજ 25-30 વર્ષ અગાઉ બંધાયેલા છે. પાલિકા અને રાજ્ય પ્રશાસન જેની જવાબદારી હેઠળ આ પુલો આવે છે તેમના દ્વારા નિયમિતપણે નિરીક્ષણો નથી કરાતા અને સમારકામ પણ સમયસર નથી કરાતા. આવી કોઇ ચોક્કસ નીતિ પણ તૈયાર નથી.
 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer