ઉત્તર પ્રદેશના યુવાને મુંબઇ આવ્યાના બીજા જ દિવસે લોકલ ટ્રેન અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા

ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસે જીવ ગુમાવ્યો
મુંબઈ, તા. 16: ઉત્તર પ્રદેશના આઝમગઢના 45 વર્ષીય જયપ્રકાશ યાદવ તેમના વતનથી મુંબઈ આવ્યા એના બીજા જ દિવસે અંધેરી રેલવે સ્ટેશને દોડતી લોકલ ટ્રેનમાંથી પડી જતાં પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટના બપોરે સુમારે 12 વાગે ઘટી હતી યાદવ તેમના પરિવાર સાથે સીએસએમટીની ટ્રેન પકડવા અંધેરી સ્ટેશને આવ્યા હતા.
અંધેરી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીના જણાવ્યા પ્રમાણે યાદવ તેમના પત્ની રેણુ, સાળા અને બે પુત્રો સાથે અંધેરી સ્ટેશને આવ્યા હતા. પ્લૅટફૉર્મ પર ટ્રેન આવી ત્યારે યાદવના પરિવારે ટ્રેનમાં ચડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર જયપ્રકાશ જ ટ્રેનમાં ચડી શકયા હતા. તેમની પત્ની, પુત્રો અને સાળો ટ્રેનમાં નહીં ચડી શક્યા અને ટ્રેન ચાલી હતી. આથી યાદવે પણ પ્લૅટફૉર્મ પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમય સુધીમાં લોકલે ગતિ પકડી લીધી હતી અને તેઓ નીચે પડતા મોતને ભેટયા હતા.
અંધેરી જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે યાદવે ટ્રેનમાંથી ઉતરવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. અને ટ્રેને ઘણી ગતિ પકડી લીધી હતી. યાદવ ટ્રેન દોડતી હતી એની વિરુદ્ધ દિશામાં ઉતર્યા હતા. તેમનું માથું ટ્રેનનાં પૈડલ નીચે કચડાઈ ગયું હતું. તેમને કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.
યાદવ અને તેમનો પરિવાર તેના સાળાનાં અંધેરી (પૂર્વ)ના નિવાસસ્થાને રહેતો હતો. અને તેઓ ઉનાળાની રજાઓમાં મુંબઈ ફરવા આવ્યા હતા. તેઓ તેમના ડોકયાર્ડ રોડ ખાતેના અન્ય સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ચૌધરીએ પ્રવાસીઓને અપીલ કરતાં કહ્યંy હતું કે ક્યારે પણ ચાલતી ટ્રેનમાંથી ઉતરો નહીં કે એમાં ચડો નહીં એ અતિ જોખમી છે આ કેસમાં યાદવ મુંબઈના લોકલ ટ્રેનોથી પરિચિત નહોતા અને તેમને લોકલની ગતિનો અંદાજ આવ્યો ન હતો.
વર્ષ 2018માં મુંબઈની પરાંની ટ્રેનોમાં 2981 જણે પ્રાણ ગુમાવ્યા હતા. જેમાંથી 1619 જણ પાટા ઓળંગતા મૃત્યુ પામ્યા હતા. જ્યારે 711 ટ્રેનમાંથી પડી જતાં પ્રાણ ગુમાવ્યા હતા. 19 જણ રૂટ પરના થાંભલા સામે પટકાતા મૃત્યુ પામ્યા હતા. જ્યારે છ જણ ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેની ગેટમાં પડી જતા મૃત્યુ પામ્યા હતા.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer