માર્ચ 2020 સુધી મુંબઈમાં લાગશે કચરાના 44 અંડરગ્રાઉન્ડ ડબ્બા

મુંબઈ, તા. 16 : `સ્વચ્છ ભારત અભિયાન' હેઠળ વધુ સારું રેન્કિંગ મેળવવાની આશામાં મુંબઈ મહાનગરપાલિકા હાલ અંડરગ્રાઉન્ડ કચરાના ડબ્બા લગાવવાના પ્રોજેક્ટને સફળ બનાવવામાં વ્યસ્ત છે. માર્ચ 2020 સુધીમાં કુલ 44 ભૂગર્ભ ડબ્બા લગાડાશે.
લાંબી કવાયત બાદ પાલિકાએ ગોરાઈ અને ગોરેગામમાં બે નવા અંડરગ્રાઉન્ડ કચરાના ડબ્બા મૂકી દીધા છે.
કચરો ઉપાડતી ગાડીઓમાં જરૂરી ફેરફાર કરીને આ ડબ્બાની સેવા શરૂ થશે. આ અગાઉ ફોર્ટ અને ગ્રાન્ટ રોડમાં બે અંડરગ્રાઉન્ડ ડબ્બા લગાડાઈ ચૂક્યા છે. આમ કુલ ચાર ડબ્બા થયા છે.
આ સાથે મુંબઈમાં 40 નવા ડબ્બા લગાવવા માટે ટેન્ડર કાઢવાની પ્રક્રિયાની તૈયારી ચાલુ છે. કમિશનરની મંજૂરી બાદ ચોમાસાના અંત સુધીમાં કૉન્ટ્રેક્ટરની નિમણૂક થઈ જશે.
ડબ્બા લગવવા માટે જમીન શોધવાની જવાબદારી જે તે વૉર્ડને સુપ્રત કરવામાં આવી છે.
શહેરના માર્ગોના કિનારે જ્યાં ત્યાં પડેલા કચરાથી મુંબઈની છબી ખરડાય છે. આના ઉકેલરૂપે આ યોજના શરૂ કરાઈ છે.
આ ભૂગર્ભ ડબ્બા જમીનની નીચે 10 ચોરસ મીટરની જગ્યામાં લગાડાશે. એમાં પણ સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખવામાં આવશે. હેન્ડલ ખેંચીને કચરો નાખવો પડશે અને કચરા ગાડીમાં લાગેલું મશીન તેને કાઢી લેશે. એકસાથે ડબ્બો લગાવવાનો ખર્ચ લગભગ 8 લાખ રૂપિયા છે.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer