આસિયા અંદ્રાબીએ કરી પાકિસ્તાન પાસેથી ભંડોળ મળતું હોવાની કબૂલાત

એનઆઈએની પૂછપરછમાં ખુલાસા : મસર્રત આલમે પાકિસ્તાની એજન્ટ મારફતે કાશ્મીરમાં ફંડ આવ્યું હોવાનું સ્વીકાર્યું
શ્રીનગર, તા. 16 : જમ્મુ કાશ્મીરની અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીએ કબૂલાત કરી છે કે તે વિદેશી સ્ત્રોત પાસેથી ભંડોળ લઈને ઘાટીમાં સેના અને સરકાર સામે મહિલાઓ પાસે પ્રદર્શન કરાવતી હતી. આસિયાએ એનઆઈએની પૂછપરછ દરમિયાન વિદેશી ભંડોળ અંગે ખુલાસો કર્યો હતો.  એનઆઈએના કહેવા પ્રમાણે અંદ્રાબી જહૂર વાટાલી મારફતે રૂપિયા મેળવી હતી. જેને હવાલા કૌભાંડમાં એનઆઈએએ દબોચ્યો હતો. વટાલી પાકિસ્તાનથી ભંડોળ એકત્રિત કરતો હતો. બીજી તરફ મુસ્લિમ લીગ નેતા મસર્રત આલમે પાકિસ્તાનના એજન્ટે વિદેશથી રૂપિયા એકત્રિત કરીને હવાલા ઓપરેટર્સ મારફતે કાશ્મીર મોકલ્યા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. 
એનઆઈએ આતંકી ભંડોળ અને ઘાટીમાં હવાલાને લઈને હુર્રીયત અને અન્ય અલગતાવાદી નેતાઓ સાથે વાતચીત કરી હતી. પૂછપરછમાં આતંકી ભંડોળને લઈને મોટા ખુલાસા થયા હતા. જેમાં મહિલા અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીએ વિદેશથી ભંડોળ આવતું હોવાની વાત કબૂલી હતી. મસર્રતે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે, હુર્રીયત વચ્ચે વિદેશી ભંડોળને લઈને મતભેદ પણ  છે. મસર્રત ઘાટીમાં પથ્થરબાજોનો પોસ્ટરબોય હતો. જેણે સૈયદ શાહ ગિલાની સહિતના અલગતાવાદી નેતાઓને રૂપિયા પહોંચાડયા હતા. ગિલાની કાશ્મીરના પાકિસ્તાનમાં વિલયનું સમર્થન કરે છે. મસર્રતની અલગતાવાદી આસિયા અંદ્રાબી, યાસીન મલિક અને શબ્બીર શાહ સાથે ધરપકડ થઈ હતી.  એનઆઈએએ પુછપરછના ખુલાસા અંગે વાત કરતા અંદ્રાબી અંગે કહ્યું હતું કે, દુખ્તારન એ મિલ્લતની કુખ્યાત નેતા આસિયા અંદ્રાબીની મલેશિયામાં તેના પુત્રના શિક્ષણ ખર્ચ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે વટાલી આ ખર્ચ ઉઠાવતો હોવાનો ખુલાસો થયો હતો. જહૂર વટાલી કાશ્મીરમાં હવાલા મારફતે રૂપિયા પહોંચાડતો હતો.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer