એફઆઇએચ હોકી : ફાઇનલમાં આફ્રિકાને 5-1થી હરાવી ભારત ચૅમ્પિયન

એફઆઇએચ હોકી : ફાઇનલમાં આફ્રિકાને 5-1થી હરાવી ભારત ચૅમ્પિયન
ભુવનેશ્વર, તા.16 : ભારતીય પુરુષ હોકી ટીમે 5-1 ગોલથી દક્ષિણ આફ્રિકાને હરાવીને ઘરઆંગણે રમાયેલી એફઆઇએચ હોકી સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ટૂર્નામેન્ટમાં ભારતે પાંચ મેચમાં 35 ગોલ ફટકાર્યા હતાં. જ્યારે ભારત સામે હરીફ ટીમો માત્ર ચાર જ ગોલ નોંધાવી શકી હતી.
હવે ભારતીય મેન્સ હોકી ટીમનું લક્ષ્ય આવતા વર્ષે યોજાનારા ઓલમ્પિકમાં ક્વોલિફાય થવાનું રહેશે. ભારતે ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ ચાલુ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી ટોકિયો ઓલિમ્પિક  ક્વોલિફાયર્સ ટૂર્નામેન્ટમાં પ્રવેશ મેળવી લીધો છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશનારી બંને ટીમોની ઓલિમ્પિકમાં રમવાની આશા જીવંત રહી છે. જોકે ટોકિયો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવવા માટે ભારતે ક્વોલિફાયર્સ જીતવી જ પડશે.
ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે આસાન વિજય હાંસલ કર્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંઘ અને વરૂણ કુમારે બે-બે ગોલ ફટકાર્યા હતાં. જ્યારે એક ગોલ વિવેક સાગર પ્રસાદે ફટકાર્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતને ફેર પ્લે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ટૂર્નામેન્ટમાં ભારતે 10-0થી રશિયાને, 3-1 થી પોલેન્ડને અને 10-0 થી ઉઝબેકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે સેમિ ફાઇનલમાં જાપાન સામે 7-2થી વિજ મેળવ્યો હતો. જ્યારે ફાઇનલમાં પણ ચાર ગોલના અંતરથી દ.આફ્રિકાને હરાવ્યું હતું. જાપાને 4-2થી અમેરિકાને હરાવીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer