વિધાનગૃહોનાં ચોમાસું સત્રમાં 28 ખરડા વિશે ચર્ચા થશે

મંગળવારે અંદાજપત્ર રજૂ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રનાં વિધાનગૃહોના આવતી કાલથી શરૂ થનારા ચોમાસું અધિવેશનમાં કુલ 28 વિધેયકો વિશે ચર્ચા થશે. ચોમાસું અધિવેશનમાં નવા 13 વિધેયક રજૂ કરવામાં આવશે. તેમાંથી 15 વિધેયક વિધાનગૃહો સમક્ષ અગાઉથી પેન્ડિંગ છે. વિધાનસભા સમક્ષ 12 અને વિધાન પરિષદ સમક્ષ ત્રણ વિધેયકો પેન્ડિંગ છે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવાર 18મી જૂને વિધાનસભામાં નાણાકીય વર્ષ 2019-20 માટેનું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનગૃહોનાં ચોમાસું અધિવેશન પહેલાં મુખ્ય પ્રધાન ફડણવીસે યોજેલી ટી પાર્ટીનો વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો.
ફડણવીસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ખરીફ મોસમ પહેલાં નાણાં વહેંચી શકાય એ માટે 1.2 કરોડ ખેડૂતોની વિગતો કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર અપલોડ કરવાનું કામ ચાલુ છે.
વિકાસ અંગેના સરકારના દાવા પોકળ છે એવા વિપક્ષોના આક્ષેપોને નકારી કાઢતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે વિરોધ પક્ષનો પાયાના સ્તર સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ભાજપ-શિવસેના યુતિની સરકાર કામ કરતી નથી એવી ધારણાને લીધે વિપક્ષોને લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખમવી પડી છે. વિરોધ પક્ષો સત્તા ઉપર હતા ત્યારે મરાઠાઓને આરક્ષણના મુદ્દે વર્ષ 2014 પૂર્વેના સમયગાળામાં તેમણે ગેરવહીવટ કર્યો હતો.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer