રેલવે લાઈન નજીકમાં ગેરકાયદે બાંધકામથી પ્રવાસીઓની સલામતી સામે ગંભીર ખતરો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : રેલવે લાઈન અને રેલવે સ્ટેશનોને અડીને આવેલી ઝૂંપડપટ્ટીઓ, બેઠાં મકાનો, ઈમારતો, કમર્શિયલ જગ્યાઓમાંથી રેલવે રૂટ પર ફેંકવામાં આવતાં કચરા કે નકામી વસ્તુઓને કારણે રેલવે પ્રવાસીઓની સલામતી સામે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
ગત બુધવારે હાર્બર લાઇનમાં મસ્જિદ રેલવે સ્ટેશન પાસે સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેન પર કોઈ ઈમારતમાંથી ડિશ એન્ટેના પડતાં શોર્ટ સર્કિટ થયું હતું અને ટ્રેન અડધો કલાક સુધી ત્યાં જ ઊભી રહી હતી. એવી જ રીતે ગુરુવારે બપોરે સવા બાર વાગ્યાના સુમારે કરી રોડ રેલવે સ્ટેશન પાસે કલ્યાણ તરફ જઈ રહેલી ધીમી લોકલ સામે ઘરમાં લગાડેલા પતરાનું શેડ આવી પડયું હતું. આથી લોકલ તત્કાળ અટકાવવામાં આવી હતી. પતરું ખસેડયા બાદ ટ્રેન શરૂ થઈ હતી. 
આવી ઘટનાઓથી ટ્રેન વ્યવહાર ખોરવાય છે, એટલું જ નહીં આવી ઘટનાઓથી પ્રવાસીઓના જીવ પર ખતરો તોળાયેલો રહે છે.
મધ્ય રેલવે સુરક્ષા દળે આ બન્ને પ્રકરણમાં ગુનો દાખલ કર્યે છે. આમ છતાં આવી ઘટનાઓ કાયમી માટે અટકાવવા રેલવે લાઈનને અડીને આવેલી ઝૂંપડપટ્ટીઓ, ગેરકાયદે દુકાનો, ચાલીઓ હટાવવા સરકારે પગલાં લેવાં જોઈએ.
મુંબઈમાં અનેક રેલવે સ્ટેશનો અથવા પાટાની નજીક મોટા પ્રમાણમાં ઝૂંપડાં, ઈમારતો કે ચાલીઓ આવેલી છે. આ સ્થળોએથી રેલવેની હદમાં ખુલ્લેઆમ કચરો નાખવામાં આવે છે, આથી ગંદકી તો થાય જ છે, પરંતુ પ્રવાસીઓની સલામતી માટે પણ ખતરો ઊભો થાય છે.
ચોમાસા પહેલાં આ ઝૂંપડાં અને ચાલીઓ પર નવાં પતરાં કે તાલપત્રી કે પ્લાસ્ટિક વગેરે બાંધવામાં આવે છે જે અનેકવાર રેલવેની હદમાં પડે છે.
અનેક ઠેકાણે રેલવેની સંરક્ષક દીવાલોમાં બાકોરાં પાડીને ત્યાંથી ગેરકાયદે અવરજવર કરવામાં આવે છે, તે પણ સુરક્ષા માટે ખતરો છે.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer