રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાને કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે : અમિત ચાવડા

અલગ-અલગ મતદાનનો નિર્ણય અયોગ્ય : અર્જુન મોઢવાડિયાનું ટ્વીટ 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી જીતી જતાં ગુજરાતમાં આગામી 5 જુલાઇએ રાજ્યસભાની બન્ને બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ખાલી બેઠકો પર ધારાસભ્યોની સંખ્યાના બળને જોતાં બન્ને પક્ષને એક એક બેઠક મળે તેમ હતી જોકે, ચૂંટણી પંચના જાહેરનામા મુજબ બન્ને બેઠકો પર અલગ અલગ મતદાન થવાનું હોવાથી બન્ને બેઠકો ભાજપ જીતે તેવી વકી છે. આ સંદર્ભે કૉંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમે ચૂંટણી પંચના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. ચૂંટણી પંચે સત્તાના દબાણ હેઠળ આ નિર્ણય
લીધો છે. 
ચાવડાએ કહ્યું કે, અમે ચૂંટણી પંચની પારદર્શિતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા, ભાજપે સત્તાનો દુરુપયોગ કરી ચૂટંણીનું મતદાન અલગ અલગ કરાવ્યું છે. અમે સત્તાનો દુરુપયોગ થશે તેવી આશંકાએ રાજ્યસભાના ચૅરમૅન અને ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે બન્ને ચૂંટણી એકસાથે યોજાય તો બન્ને પક્ષને એક એક બેઠક મળે, પરંતુ બન્ને બેઠક ભાજપ જીતે તે માટે ચૂંટણી પંચે અમારી આશંકા મુજબ જે જાહેરનામું બહાર પાડયું છે તેને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. જેવી રીતે જાહેરનામામાં દિલ્હી હાઇ કોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે, ચૂંટણી પંચે સરકારના દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે.  દિલ્હી હાઇ કોર્ટના જે ચુકાદાને ટાંકવામાં આવ્યો છે તેનો સંદર્ભ ખોટી રીતે ટાંકવામાં આવ્યો છે. હાઇ કોર્ટના ચુકાદાને ટાંકીને ચૂંટણી પંચે સત્તાના દબાણ હેઠળ જાહેરનામું બહાર પાડયું છે. કૉંગ્રેસ પક્ષ કાયદાકીય રીતે આ જાહેરનામાને પડકારશે. 
દરમિયાન  કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે એક ટ્વીટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટાયાં, તે બન્નેઁ રાજ્યસભાની સીટ ખાલી કરી હતી. કૉંગ્રેસ પાસે એક બેઠક જીતવા માટે ધારાસભ્ય હતા, પરંતુ ભાજપે ચૂંટણી પંચ પર દબાણ કરી બન્ને બેઠક પર અલગ અલગ મતદાન રખાવ્યું છે. અલગ અલગ મતદાનનો નિર્ણય અયોગ્ય છે. બન્ને બેઠક પર એકસાથે જ મતદાન થવું જોઇએ. અમે ચૂંટણી પંચના આ નિર્ણય સામે કાયદાકીય લડત આપીશું.
 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer