મમતા સાથે વાતચીત કરવા તબીબો તૈયાર

કોલકાતા/નવી દિલ્હી, તા.16 : પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા તબીબો આખરે મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવા માટે તૈયાર થઈ ગયા છે. જૂનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું કે જનતાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે તેઓ વાતચીત માટે તૈયાર તો થઈ ગયા છે પરંતુ આ બધું બંધ ખંડમાં થશે નહીં. તબીબો મીડિયાની હાજરીમાં સીએમ સાથે વાત કરવાના ઈચ્છુક છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવાર અને શનિવારે તબીબોએ સીએમથી મુલાકાતના નિમંત્રણને ઠુકરાવી દીધું હતું. તેઓનું કહેવું હતું કે આ બેઠકને લઈને તબીબોમાં ભારે ડર છે એ કારણથી તેમનો કોઈ પ્રતિનિધિ સીએમથી વાત કરવા માટે રાજ્યના સચિવાલયમાં જશે નહીં. ડોક્ટરોની માંગ હતી કે સીએમ એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવે અને તબીબો સાથે વાત કરે.
આજે તબીબોએ સીએમ સાથે મુલાકાતની સંમતિ આપતાં વિવાદ બહુ જલ્દી સમાપ્ત થવાની સંભાવના છે. જોકે હજુ સુધી તબીબો કે સીએમ તરફથી બેઠકના સમય અને સ્થળની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાત્રે જૂનિયર તબીબોના સંયુક્ત ફોરમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે વાતચીત માટે હંમેશાં તૈયાર છીએ. જો મુખ્યમંત્રી એક હાથ આગળ વધારશે તો અમે પણ 10 હાથ આગળ વધારીશું.
મમતાને મળવા કેટલાક ડોક્ટર સચિવાલય ગયા હોવાનો સીએમનો દાવો પણ તબીબોએ ફગાવી દીધો હતો. મમતા બેનરજીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તબીબોની તમામ માગણી માની લેવામાં આવશે તેઓ કામ પર પરત ફરે. ગૃહમંત્રાલયે માગેલા અહેવાલ અંગે બેનરજીએ કહ્યું હતું કે આવી માર્ગદર્શિકા તો ઉત્તરપ્રદેશ અને ગુજરાત મોકલવી જોઈએ કેમકે ત્યાં કેટલાક વર્ષમાં અનેક હત્યાઓ થઈ છે.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer