આજે આઈએમએની રાષ્ટ્રવ્યાપી હડતાળ : દેશભરમાં બંધ રહેશે ઓપીડી સુવિધા

નવી દિલ્હી, તા. 16: પશ્ચિમ બંગાળમાં તબીબો ઉપર હુમલાની ઘટનાનો ગુસ્સો હજી પણ યથાવત્ છે. આઈએમએએ દેશભરમાં સોમવારે 24 કલાકની હડતાલનું એલાન કર્યું છે. જેનાથી તમામ પ્રકારની બીનજરૂરી સુવિધા બંધ રહેશે અને હોસ્પિટલમાં ઓપીડી સવારે 6 વાગ્યાથી બંધ રહેશે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દિલ્હી સ્થિત આઈએમએ હેડક્વાર્ટરમાં ધરણા કરશે. જે સોમવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. 
ગયા સોમવારે પશ્ચિમ બંગાળની એનઆરએસ મેડિકલ કોલેજમાં એક દર્દીનાં મૃત્યુ બાદ પરિજનોએ બે જુનિયર ડોક્ટર ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ તબીબોએ હડતાલ શરૂ કરી હતી. તેવામાં મમતા બેનરજીએ તબીબો કામ ઉપર પરત ન ફરે તો કાર્યવાહીની ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો અને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનને દેશભરના તબીબોનો સાથ મળ્યો હતો. વિવાદ ગરમાયા બાદ શનિવારના રોજ મમતા બેનરજીએ ફરી હડતાલ પૂરી કરવાની અપીલ કરી હતી અને તમામ માગણી માન્ય રાખવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. મમતા બેનરજીએ એસ્મા ન લગાડવા પણ ખાતરી આપી હતી.  
 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer