વાયુ વાવાઝોડું આજે મધરાતે કચ્છના કાંઠાના વિસ્તારમાં ટકરાશે, તંત્ર એલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. જોકે, તેની તીવ્રતા ઘટી રહી છે, પરંતુ હજુ પણ ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે તંત્ર એલર્ટ પર છે.  વાયુ વાવાઝોડું  સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. 17 જૂનની મધરાતે આ વાવાઝોડું કચ્છના દરિયાકિનારાના વિસ્તારમાં ટકરાશે. આગામી 12 કલાકમાં સાયક્લોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમ 440 કિ.મી. દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિ.મી. દૂર છે. વાયુ વાવાઝોડું પ્રતિ કલાક 8 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 
ગુજરાતમાં વાયુ વાવાઝોડાના ખતરાને લઇને સમગ્ર તંત્ર એલર્ટ પર હતું, પરંતુ ધીરે ધીરે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ ગયું. ત્યાર બાદ ગુજરાતે હાશકારો અનુભવ્યો હતો. જોકે, વાયુ વાવાઝોડું ફરી એકવાર યુ ટર્ન મારીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે, પરંતુ હજુ પણ  ખતરો તોળાઇ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે ઊંચાં મોજાં ઊછળશે અને ભારે પવન ફૂંકાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની  પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર એલર્ટ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer