ડેવલપમેન્ટ પ્લાન કૌભાંડ વિશે મોઢું બંધ રાખવા રાધકૃષ્ણ વિખે-પાટીલને મિનિસ્ટર બનાવાયા છે : અજિત પવાર

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાધાકૃષ્ણ વિખે-પાટીલ `કરોડો રૂપિયાના મુંબઈ ડેવલપમેન્ટ પ્લાન સ્કેમ વિશે ચુપકીદી સેવે એ માટે તેમને પ્રધાનપદું આપવામાં આવ્યું છે એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું છે.
અજિત પવારે આજે પત્રકારોને જણાવ્યું હતું કે મને શંકા છે કે વિખે-પાટીલ કૌભાંડ અંગે મોઢું બંધ રાખે, તે અંગે વધુ ઊંડા ઊતરે નહીં અને અદાલતનો આશરો લે નહીં એ ગણતરીથી તેમને પ્રધાનપદું આપવામાં આવ્યું છે. ફડણવીસ સરકાર અન્ય રાજકીય પક્ષોના નેતાઓને ભાજપમાં જોડાવવા લાલચ આપી રહી છે. શિવસેનાના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા એકનાથ શિંદે અને પછી કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ સરકારમાં સામેલ થયા છે. નેતાઓએ પોતાના પક્ષ પ્રત્યે વફાદારી રાખવી જોઈએ. ચેતનવંતા વિપક્ષની પરંપરા તોડી પાડવામાં આવી રહી છે. કેટલાક નેતાઓએ પોતાના અંગત સ્વાર્થ ખાતર વફાદારી બદલે છે. કદાચ તેઓ પોતાની વિરુદ્ધ તપાસ થાય નહીં એ માટે પોતાની સંસ્થા નિર્વિઘ્ને કામ કરી શકે એ માટે અથવા સરકારી એજન્સી દ્વારા કનડગત થાય નહીં એ માટે પક્ષ બદલતા હોય છે એમ અજિત પવારે ઉમેર્યું હતું.
કૉંગ્રેસના વિધાનસભા પાંખના નેતા વિજય વડેટ્ટીવારએ જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના મુંબઈ ડેવલપમેન્ટ પ્લાન કૌભાંડ વિશે અમારી પાસે જાણકારી છે. કઈ હોટેલોમાં આ અંગેના વ્યવહારો થયા તેની જાણકારી પણ અમારી પાસે છે. અમે આ મુદ્દાને વિધાનગૃહોમાં ઉઠાવશું એમ વડેટ્ટીવારએ જણાવ્યું હતું.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer