હવામાન બદલાતાં શ્વાસનળીના ઇન્ફેક્શનના દરદીઓમાં થયો વધારો

હવામાન બદલાતાં શ્વાસનળીના ઇન્ફેક્શનના દરદીઓમાં થયો વધારો
મુંબઈ, તા. 16 : હવામાનમાં અચાનક આવેલા ફેરફારને કારણે સમગ્ર મુંબઈમાં શ્વાસનળીમાં ઇન્ફેક્શનના કેસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે આવા કેસમાં હૉસ્પિટલમાં ભરતી થવાનું જરૂરી નથી. બ્રોન્કોસ્પાઝમને લીધે દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
વૉકહાર્ડ્ટ હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે શ્વાસની તકલીફ હોય એવા બે-ત્રણ પેશન્ટો રોજ અમારા ઓપીડીમાં આવે છે. બધાને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી, પણ જેમને 100 ડિગ્રીથી વધુ તાવ આવતો હોય એવા દરદીઓને દાખલ કરવા પડે છે અને તેમને  નસ મારફતે એન્ટિબાયોટિસ આપવી પડે છે.
વાવાઝોડું વાયુ મહારાષ્ટ્રના કાંઠેથી ગયા અઠવાડિયે પસાર થતાં મુંબઈના હવામાનમાં ખાસ્સો પલટો આવ્યો હતો. ભારે વરસાદને કારણે તાપમાન એકાએક ઘટી ગયું હતું. ભેજમાં પણ ઘટાડો થયો હતો.
હવામાનના આ ફેરફારને લીધે વાઇરલ ઇન્ફેક્શન પણ વધી ગયું છે. આવા પેશન્ટોને સારું થતાં બે-ત્રણ દિવસ લાગે છે, પણ આ વખતે શ્વાસનળીમાં ઇન્ફેક્શનના કેસ વધુ જોવા મળી રહ્યા છે એમ અન્ય એક ડૉક્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે શ્વાસનળીમાં ઇન્ફેક્શન હોય એવા આઠ-દસ પેશન્ટોને રોજ તપાસું છું. શ્વાસનળીના ઉપરના ભાગથી ઇન્ફેક્શન છાતી તરફ જાય છે અને એને લીધે પેશન્ટને ગુંગળામણ થાય છે. આ બ્રોન્કોસ્પાઝમ છે. કમસે કમ 20 ટકા પેશન્ટોને ગુંગળામણથી રાહત આપવા નેબ્યુલાઇઝર આપવું પડે છે.
હવામાનમાં બદલાવને કારણે પેટની તકલીફ અને ઝાડાના પેશન્ટોમાં પણ વધારો થયો છે. છેલ્લા થોડા દિવસમાં ગેસ્ટ્રોએન્ટરાઇટિસના કેસમાં 30 ટકાનો વધારો થયો છે. ચોમાસું જેમ જેમ જામશે તેમ તેમ આવા પેશન્ટોમાં વધારો થશે.
મહાપાલિકાના આંકડા અનુસાર એપ્રિલ મહિનામાં પેટની તકલીફ ધરાવતાં પેશન્ટોની સંખ્યા 633 હતી જે વધીને મે મહિનામાં 730ની થઈ ગઈ હતી. પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે વરસાદમાં પાણીજન્ય રોગમાં વધારો થાય છે એટલે આવતા દિવસોમાં પેટની તકલીફવાળા દરદીઓમાં વધારો થાય તો નવાઈ નહીં.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer